સાયન્સ સેન્ટર-ભુજ બસ પોર્ટનું કામ ઝડપી પૂર્ણ કરો

સાયન્સ સેન્ટર-ભુજ બસ પોર્ટનું કામ ઝડપી પૂર્ણ કરો
ભુજ, તા. 30 : રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમારે આજે ભુજ ખાતે ભુજિયા ડુંગરમાં આકાર લઈ રહેલા પ્રાદેશિક સાયન્સ સેન્ટર તથા શહેરમાં નિર્માણાધીન એસ.ટી બસ પોર્ટની મુલાકાત લઇને વિકાસ કામોની સમીક્ષા કરી હતી. આ તકે તેમણે બસ પોર્ટનું કામ તાકીદે પૂર્ણ કરવા સૂચના આપી હતી. અધિકારીએ ભુજિયા સ્મૃતિવનનું પણ નિરીક્ષણ કર્યું હતું. પ્રાદેશિક સાયન્સ સેન્ટરની મુલાકાત લઇને નિર્માણાધીન વિવિધ ગેલેરીનું નિરીક્ષણ કર્યું હતું તથા નાગરિકો અને બાળકોને આકર્ષિત કરનારી જુદી -જુદી થીમ વિશે જાણકારી મેળવીને તે અંગે જરૂરી સૂચનો પણ કર્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, સાયન્સ સેન્ટરમાં વિજ્ઞાનને લગતી વિવિધ બાબતો, વૈજ્ઞાનિકો વિશેની માહિતી તેમજ ખગોળ વિજ્ઞાન, ઊર્જા, નેનો ટેકનોલોજી સહિતના વિષયો આધારિત વિવિધ ગેલેરીઓ ઊભી કરવામાં આવી રહી છે. ભુજમાં આધુનિક સુવિધા સાથે નિર્માણાધીન એસ.ટી બસ પોર્ટની મુલાકાત લઇને કચ્છવાસીઓને મળનારી સુવિધા વિશે પૃચ્છા કરીને વિગતો મેળવી હતી. આ તકે તેમણે બસ પોર્ટનું કામ ત્વરિત પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. મુખ્ય સચિવ સમક્ષ નગરપાલિકા હસ્તકની આગળની દુકાનોનો મુદ્દો આવતાં અંગતરસ લઇને ઉકેલની સૂચના આપી હતી. અધિક મુખ્ય સચિવ (મહેસૂલ અને જી.એસ.ડી.એમ.એ.ના સીઇઓ) કમલ દયાની, માર્ગ-મકાન વિભાગના સચિવ એસ. બી. વસાવા, કલેક્ટર પ્રવીણા ડી.કે., પશ્ચિમ કચ્છ એસ.પી સૌરભ સિંઘ, અધિક નિવાસી કલેકટર હનુંમતાસિંહ જાડેજા, ભુજ પ્રાંત અધિકારી અતિરાગ ચપલોત, નખત્રાણા પ્રાંત અધિકારી મેહુલ બરાસરા, માર્ગ-મકાન કાર્યપાલક ઇજનેર વી. એન. વાઘેલા, સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેકટર રાજેન્દ્ર પટેલ , એસ.ટી વિભાગીય નિયામક યોગેશ પટેલ તેમજ સંબંધિત કચેરીના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય સચિવે ભુજિયા ડુંગરમાં 175 એકરમાં આકાર લઈ રહેલા સ્મૃતિવનની મુલાકાત લઈને વિકાસકામોનું બારીકાઈપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. જેમાં મ્યૂઝિયમ બાલ્ડિંગ, ત્રણ એમીનિટીઝ બ્લોક, સનસેટ પોઇન્ટ, ચેકડેમ તથા નિર્માણાધીન વિવિધ કામગીરીની સમીક્ષા સાથે કામની પ્રગતિ અંગે જાણકારી મેળવીને જુદા-જુદા થીમ આધારિત પ્રકલ્પો વિશે માહિતી મેળવી હતી. સ્મૃતિવનમાં નિર્માણ પામતા તમામ બ્લોકના વિકાસકાર્યોને ઝડપથી પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપી હતી. સ્મૃતિવનમાં બનેલા સનસેટ પોઈન્ટ તથા પાણીના સંચય માટે બનેલા ચેકડેમોનું નિરીક્ષણ પણ કર્યું હતું.  સ્મૃતિવનમાં 3 લાખથી વધુ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે તેમાં ખાસ કરીને મિયાવાકી પદ્ધતિ અંગે જાણકારી મેળવીને આ ચોમાસામાં વધુમાં વધુમાં વૃક્ષારોપણ કરીને તેનો યોગ્ય રીતે ઉછેર થાય તે માટે પાણીનું વ્યવસ્થાપન કરવા સંબંધિત અધિકારીઓને મુખ્ય સચિવે સૂચના આપી હતી. એજન્સી વતીથી સંજય શાહ, બીરજુ શાહ, હરેશ કતિરા, યશ કતિરાએ પૂરક વિગતો મુખ્ય સચિવને આપી હતી. દરમ્યાન બાદમાં મોડીસાંજે રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમારે ભુજિયા ડુંગરમાં રૂા. 325 કરોડના ખર્ચે નિર્માણ થઇ રહેલા સ્મૃતિવન પ્રોજેક્ટની મુલાકાત લઇ?ભુજ કલેક્ટર કચેરી ખાતે તેની સમીક્ષા બેઠક યોજી હતી. 470 એકરમાં બની રહેલા સ્મૃતિવન કામગીરીની પૂર્ણતા, પડકાર અને અવરોધ અંગેની સમીક્ષા બેઠકમાં મુખ્ય સચિવે માર્ગદર્શન પૂરું પાડયું હતું તેમજ સંબંધિતોને ઝડપથી આયોજનપૂર્વક નિયમ સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા તાકીદ પણ કરી હતી. આ તકે તેમણે સમગ્ર પ્રોજેક્ટની ફેઝ વનથી લઇને વર્તમાન નિર્માણાધીન વિવિધ કામગીરીની છણાવટ કરી મ્યુઝિયમ બિલ્ડિંગ, એથી એચ બ્લોકના પડકારો, એમિનિટીઝ બ્લોક, ટેન્સાઇલ પીટીએફઇ રુફ, મોસ્ટ ક્રિટિકલ સબ સ્ટેશન, શ્રદ્ધાંજલિ ઇન્સ્ટોલેશન, કેફે, વિક્ટિમ નેમપ્લેટ, ઇન્ટિરિયર વર્ક, આઉટ સાઇડ વર્કની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. 

© 2022 Saurashtra Trust