60 હજાર કરોડનાં દાનનો ગૌતમભાઇ અદાણીનો સંકલ્પ સમાજનિર્માણની દિશામાં પ્રેરક કદમ : દામજીભાઈ

60 હજાર કરોડનાં દાનનો ગૌતમભાઇ અદાણીનો સંકલ્પ સમાજનિર્માણની દિશામાં પ્રેરક કદમ : દામજીભાઈ
મુંબઇ, તા. 30 : દેશના ટોચના ઉદ્યોગપતિ ગૌતમભાઇ અદાણીએ તેમના પિતાશ્રી શાંતિલાલભાઇના જન્મ શતાબ્દી વર્ષ અને પોતાના 60મા જ.ન્મ દિવસ નિમિત્તે 60 હજાર કરોડના દાનનો સંકલ્પ લઇને ઐતિહાસિક પહેલ કરી તેને બિરદાવતાં સૌરાષ્ટ્ર ટ્રસ્ટના અધ્યક્ષ દામજીભાઇ એન્કરવાલાએ જણાવ્યું હતું કે, સમાજનિર્માણની દિશામાં આ યોગ્ય કદમ છે. શ્રી એન્કરવાલાએ ગૌતમભાઇને જન્મદિવસનાં અભિનંદન પાઠવ્યાં હતાં અને કહ્યું હતું કે, મુંદરામાં અદ્યતન બંદર ન માત્ર કચ્છ બલ્કે ગુજરાત અને દેશના વિકાસનું બારું બન્યું છે. આજે કચ્છની ઔદ્યોગિક પ્રગતિ થઇ રહી છે અને આયાત-નિકાસ ક્ષેત્રે અવનવા વિક્રમ રચાઇ રહ્યા છે એના પાયામાં અદાણી પરિવારની દીર્ઘદૃષ્ટિ અને નિર્ધારિત લક્ષ્ય સુધી પહોંચવાની પ્રતિબદ્ધતા રહેલી છે. ઉદ્યોગ સમૂહે માત્ર પોતાનો જ વિકાસ ન કરતાં સમગ્ર વિસ્તાર અને પ્રદેશના સુખ-દુ:ખની જવાબદારી ઉઠાવવી જોઇએ એવો દાખલો ગૌતમ અદાણીના સંકલ્પમાં પ્રતિબિંબિત થાય છે. `સૌએ સાથે મળીને કચ્છ માટે ઘણું કરવાનું છે' એવું વિધાન કરનારા ગૌતમભાઇ અને પ્રીતિબેન અદાણીનાં માર્ગદર્શન હેઠળ ફાઉન્ડેશન દ્વારા શિક્ષણ, આરોગ્ય, રોજગાર, મહિલા સશક્તિકરણ, પર્યાવરણ જતન, જળ સંરક્ષણ, રમતગતમને પ્રોત્સાહન સહિતના પ્રકલ્પો સફળતાપૂર્વક ચાલી રહ્યા છે, એનો કચ્છને ફાયદો થઇ રહ્યો છે. એમ કહેતાં શ્રી દામજીભાઇએ ઉમેર્યું હતું કે, અદાણી વિદ્યામંદિરની ખ્યાતિ કચ્છ જ નહીં, ગુજરાતના સીમાડા ઓળંગી ગઇ છે. 60 હજાર કરોડનાં કામોથી કચ્છ ઉપરાંત ગુજરાત અને દેશના જરૂરતમંદ વિસ્તારો-લોકોનાં જીવનમાં સુવિધા ઉમેરાશે, પરિવર્તન આવશે એવી આશા શ્રી એન્કરવાલાએ વ્યક્ત કરી હતી. અહીં એ નોંધનીય છે કે, ગૌતમભાઇ અદાણીએ તાજેતરમાં 60 હજાર કરોડનાં દાનનો સંકલ્પ જાહેર કર્યો તેમાંથી ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સંભાળ, શિક્ષણ, કૌશલ્ય વિકાસ સહિતની પ્રવૃત્તિ થશે. આ પહેલની વિપ્રોના સ્થાપક અધ્યક્ષ અઝીમ પ્રેમજીએ પણ પ્રશંસા કરી હતી. 

© 2022 Saurashtra Trust