કાલે બિદડામાં મહિલા કોલેજનું ઉદ્ઘાટન

કાલે બિદડામાં મહિલા કોલેજનું ઉદ્ઘાટન
ભુજ, તા. 30 : કર્મભૂમિ મુંબઇ મૂકીને જન્મભૂમિ કચ્છના બિદડા મધ્યે છેલ્લા સાત વર્ષથી સામાજિક સેવાકીય પ્રવૃત્તિ શરૂ કરનાર દંપતિ કોમલભાઇ સાવલા અને મંદાકિનીબેન સાવલા દ્વારા સ્થાપિત માતૃવંદના સંસ્થા બિદડા મધ્યે મહિલા કોલેજ સાથે કૌશલ્ય તાલીમ કેન્દ્રનો પ્રારંભ કરી રહી છે. તા. 2-7ના શનિવારે સવારે 9 કલાકે સંસ્થાના સંકુલ `માતૃવંદના' મધ્યે નવનીતચંદ્ર વલ્લભ મહિલા આર્ટસ કોલેજ અને પાન વલ્લભ સ્કીલ ડેવલપમેન્ટનું વિધાનસભા અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય, સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, કચ્છ જિલ્લા પંચાયતના અધ્યક્ષા પારુલબેન કારા, કચ્છ યુનિ.ના કુલપતિ ડો. જયરાજસિંહ જાડેજા, અદાણી ગ્રુપના રક્ષિત શાહ, બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજય છેડા અને અન્ય મહાનુભાવોની હાજરીમાં લોકાર્પણ કરાશે. આ વિશે વધુ માહિતી આપતાં સંસ્થાના ટ્રસ્ટી જયેશ તારાચંદ છેડાએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટી સાથે સંલગ્ન 156 સીટ સાથેની આ સ્વનિર્ભર મહિલા આર્ટસ કોલેજમાં એડમીશનનો પ્રારંભ થઇ?ગયો છે. અહીં આર્ટસ ફેકલ્ટીનો અભ્યાસ કરનાર દીકરીઓ વધારામાં સ્કીલ ડેવલોપમેન્ટ દ્વારા સંચાલિત સીસીસી સર્ટિ. સાથેની કોમ્પ્યુટર તાલીમ, ટેલી વિથ જીએસટી, ડીટીપી, વેબ ડિઝાઇનની તાલીમ મેળવી શકશે. પ્રિન્સિપાલ મનાલીબેન કતીરાના જણાવ્યાનુસાર સરકાર માન્ય આ સ્વનિર્ભર કોલેજમાં એક સેમેસ્ટરની ફી રૂા. 2100 છે જે સરકારી કોલેજની અપેક્ષાએ ઓછી છે. વળી અનુ.જાતિ જનજાતિ અને બક્ષીપંચ હેઠળ સમાવિષ્ટ છાત્રાઓ સરકાર દ્વારા અપાતી સ્કોલરશીપ મેળવી શકશે. આ ઉપરાંત સંસ્થા સ્કીલ ડેવલોપમેન્ટ હેઠળ મુંબઇના જાણીતા રાજ ટેકનિકલ એજ્યુકેશન ગ્રુપના સહયોગથી મહિલાઓને વિવિધ પ્રકારના વ્યવસાયિક કોમ્પ્યુટર પ્રોગ્રામની નિ:શુલ્ક કૌશલ્ય તાલીમ આપશે. માવતરનો માળો સંસ્થામાં વૃદ્ધ વડિલોને આશરો અપાય છે. આ ઉપરાંત બિદડા આસપાસના ગામોની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ભણતા છાત્રોના વાંચન, ગણન અને લેખન માટે સંસ્થાએ પોતાના વિદ્યાસહાયકો નીમી મહત્વનું યોગદાન આપ્યું છે. સરકારી શાળાઓમાં નવનીત કોમ્પ્યુટર સોફટવેર પ્રોગ્રામ આપી ગ્રામીણ શાળાઓમાં સ્માર્ટ કલાસ માટે કાર્ય કર્યું છે. તો શાળામાં અભ્યાસ છોડનાર વિદ્યાર્થીઓ માટે સ્કીલ ડેવલોપમેન્ટ સ્કૂલ શરૂ કરી આઇટીઆઇ સંલગ્ન તાલીમ આપી યુવાનોને આત્મનિર્ભર બનાવવાનું કાર્ય કર્યું છે. કોમલભાઇએ કહ્યું કે ગ્રામીણ વિસ્તારમાં ઉચ્ચ શિક્ષણ તેમજ સ્કીલ ડેવલપમેન્ટના માધ્યમથી મહિલાઓ સરળતાથી શિક્ષણ મેળવી આત્મનિર્ભર બની રાષ્ટ્રીય પ્રવાહમાં પોતાનું યોગદાન આપી શકવા સમર્થ બનશે. ટ્રસ્ટીઓ વલ્લભજીભાઇ ભાણજી ગડા (બાડા), ચંદ્રકાંતભાઇ વલ્લભજી ગોગરી (ભાડિયા), સુનિલભાઇ ગાલા (રાયણ), રાજેશભાઇ છેડા (પત્રી), ઉપરાંત જેવાયએફના હાર્દિકભાઇ મામણિયાનો સહયોગ મળી રહ્યો છે આ શૈક્ષણિક પ્રોજેકટ સંસ્થાના પૂર્વ ચેરમેન અને અનશનવ્રતધારી તારાચંદભાઇ જગશી છેડાની સેવાઓને સમર્પિત કરતાં હોવાનું કોમલભાઇએ ઉમેર્યું કે, આ ઉદ્દઘાટન સમારોહને પાર પાડવા ભુજ કવીઓ તથા શ્રી સર્વ સેવા સંઘ (કચ્છ) ભુજના પ્રમુખ જીગર છેડા, માંડવી ઇન્નરવ્હીલ કલબના પ્રમુખ શીલાબેન શાહ જહેમત ઊઠાવી રહ્યા છે. 

© 2022 Saurashtra Trust