લાખોના આંધણ છતાં ગાંધીધામ હજુય ગોબરું

લાખોના આંધણ છતાં ગાંધીધામ હજુય ગોબરું
ગાંધીધામ, તા. 30 : આ શહેર અને સંકુલમાં ઠેર-ઠેર ગંદકીના થર જામ્યા છે. અનેક જગ્યાએ કચરાના ઢગલા પડયા છે. દર વર્ષે સાફ-સફાઇ માટે કરોડો રૂપિયા ખાનગી ઠેકેદારોને પધરાવી દેવામાં આવે છે, પરંતુ સફાઇના નામે મીંડુ હોવાનું જગજાહેર છે. પૈસા આપવા છતાં કામગીરી ન કરાતાં લોકોમાં રોષની લાગણી પ્રસરી છે. ગાંધીધામ-આદિપુરના જૂના શહેરી વિસ્તાર તથા જગજીવન નગર વોર્ડ વિસ્તારની ડોર-ટુ-ડોર કચરા એકત્રીકરણ, રોડ ક્રેપિંગ, બ્રશિંગ, કન્ટેઇનર લિફટિંગ વગેરે કામગીરી માટે આ વર્ષ માટે ખાનગી ઠેકેદારોને રૂા, 3,31,97,664નો ઠેકો અપાવામાં આવ્યો છે. આ વિસ્તારોમાં રાત્રિના ભાગે કામગીરી કરાતી હોય છે, તેમાં પણ મુખ્યત્વે મુખ્ય બજારમાં જ કામ કરાય છે. અંદરના રહેણાક વિસ્તારોમાં ક્યારેય સફાઇ કરાતી નથી. અહીંની પાલિકામાં સફાઇ કામદારોની સંખ્યા પણ સારી એવી છે જેમને અન્ય વોર્ડમાં કામગીરી સોંપવામાં આવી છે. કામદારો માટે મુખ્ય વોર્ડ બાકાત થઇ ગયા હોવાથી અન્ય વોર્ડની જ કામગીરી બચે છે, પરંતુ આ અન્ય વિસ્તારો, વોર્ડમાં સફાઇના નામે મીંડુ છે. આ અન્ય વિસ્તારો માટે પણ પાલિકા દ્વારા લાખોનો ખર્ચ કરાય છે તેમ છતાં અનેક વિસ્તારોમાં કચરાના ઢગલા નજરે પડે છે. શહેરના સુંદરપુરી, ભારતનગર, ગણેશનગર, કાર્ગો, ખોડિયારનગર, 400 કવાર્ટર, સુભાષનગર, આદિપુરના મણિનગર, કેસર નગર, 4-5વાળી, વોર્ડ 1-એ, જનતા કોલોની વગેરે વિસ્તારોમાં કચરાના ઢગલા લોકોને દેખાય છે પરંતુ પાલિકાને દેખાતા નથી તેવું લોકો જણાવી રહ્યા છે. ચોમાસાની આ ઋતુમાં હાલમાં થોડોક જ વરસાદ પડયો હતો. ઉકરડા અને કચરા ઉપર પડેલા છાંટાના કારણે આસપાસના લોકોનું ત્યાં રહેવું દુષ્કર થઇ પડયું છે. પાલિકામાં આ અંગે રજૂઆતો કરવા છતાં સફાઇ થતી નથી તેવું લોકો જણાવી રહ્યા છે. આગામી સમયમાં કોઇ ભયંકર રોગચાળો ફાટી નીકળે તે પહેલાં આ વિસ્તારોમાં સફાઇ કરવા લોકોએ માંગ કરી હતી. નોંધવું જરૂરી છે કે, છેલ્લા થોડા સમયથી શહેર સંકુલમાં ટાઇફોઇડના કેસો વધવા માંડયા છે. 

© 2022 Saurashtra Trust