ભૌતિક સુખ પાછળ આંધળી દોટ ન મૂકવા આહ્વાન

ભૌતિક સુખ પાછળ આંધળી દોટ ન મૂકવા આહ્વાન
ભુજ, તા. 30 : સ્વને ઓળખી, ભૌતિક સુખ પાછળ આંધળી દોટ ન મૂકી, દુર્લભ એવા મનુષ્ય ભવને ધાર્મિક આચરણના સથવારે સફળ બનાવવા અહીં ચાતુર્માસે આવેલા ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય કલ્પતરુસૂરિશ્વરજી મ.સા.એ માંગલિક ફરમાવતાં જણાવ્યું હતું. વાગડ સમુદાયના ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય કલ્પતરુસૂરિશ્વરજી મ.સા.નો શ્રીમદ્ વિજય મુક્તિચંદ્રસૂરિશ્રવરજી મ.સા., શ્રીમદ્ વિજય મુનિચંદ્રસૂરિશ્વરજી મ.સા., આદિ સાધુ-સાધ્વીઓ સાથે ગુરુવારે વહેલી સવારે શહેરના હોસ્પિટલ રોડ ખાતેથી વાજતે-ગાજતે સામૈયા સાથે ચાતુર્માસ પ્રવેશ થયો હતો. આ શોભાયાત્રામાં નૃત્યમંડળી, શ્રીસંઘની કળશધારી બાલિકાઓ, શ્રાવિકાઓ, વાગડ સાત ચોવીસી યુવા ગ્રુપે ઢોલ-શરણાઈ અને શંખનાદ સાથે મ.સા.ને આવકાર્યા હતા, તો 2100 ફૂટ ડિઝાઈનની ગહુલી, વિવિધ ફલોટ, બાઈક રેલી, 21 ઘોડાની સલામી વગેરેએ આકર્ષણ જમાવ્યું હતું. પ્રારંભે વાગડ જૈન સંઘના પ્રમુખ કમલનયનભાઈ મહેતાએ ચાતુર્માસના દાતા પરિવાર પ્રેમિલાબેન સ્વરૂપચંદ મહેતાનો આભાર માની સૌને શાબ્દિક આવકાર આપ્યો હતો, દાતા પરિવારના વિનોદભાઈએ લાભ આપવા બદલ સંઘ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી, મહામંત્રી ધીરજભાઈ મહેતાએ મહારાજ સાહેબના ચાતુર્માસ પ્રવેશે આજના દિવસે સોનાનો સૂરજ ઊગ્યો હોવાનું જણાવી તેમની નિશ્રામાં દરરોજ  અનુષ્ઠાનોમાં જોડાવા આહ્વાન કરી ચાતુર્માસ દરમ્યાન યોજાનારા વિવિધ કાર્યક્રમોની વિગતો આપી હતી. ગુરુપૂજનનો લાભ દાતા પરિવાર તેમજ કામળી વહોરાવવાનો લાભ નાગજી ખેતશી મહેતા પરિવાર તથા બાબુલાલ કાનજી ગાંધી પરિવારે લીધો હતો. આ તકે દાતા પરિવારનું સંઘ વતી બહુમાન કરાયું હતું. આગામી 2023નો ચાતુર્માસ દાદર આરાધના ભવન જૈન સંઘ મુંબઈ કરવાની મ.સા.એ ઘોષણા કરી હતી. આ અવસરે આચાર્ય શ્રીમદ્ વિજય યશોવિજયસૂરિશ્વરજી મ.સા. ઉપસ્થિત રહ્યા હોવાનું સંઘના મીડિયા કન્વીનર વી. જી. મહેતાએ જણાવ્યું હતું. આ પ્રસંગે કલાપ્રભસૂરિ સ્મૃતિમંદિર ગાંધીધામના વિવિધ ચડાવા લેવાયા હતા તથા સ્મૃતિગ્રંથ, અધ્યાત્મ યોગી અનુભૂતિ ગ્રંથનું વિમોચન કરાયું હતું. આજના  પ્રસંગે દાતા પરિવાર તરફથી સવારની નવકારશી તથા બપોરનું સ્વામી વાત્સલ્યનું આયોજન કરાયું હતું, સંઘ દ્વારા સંઘપૂજન અને સામૂહિક આયંબિલ તપ કરાવાયા હતા. પ્રવેશોત્સવના સફળ આયોજન માટે આરાધના ભવન જૈન સંઘ ભુજના મેનેજિંગ ટ્રસ્ટી કમલનયન એ.ડી. મહેતાની આગેવાની હેઠળ માનદમંત્રી ધીરજભાઈ મહેતા, નવીનચંદ્ર ત્રેવાડિયા, રસિકલાલ સંઘવી તેમજ હોદ્દેદારો, ટ્રસ્ટી મંડળ, મહેશ ગઢેચા, નરેન્દ્ર ચંદુરા, જીતુભાઈ કાંકરેચા, રજનીભાઈ ભણશાલી, મુકેશ ગઢેચા, કમલ વોરા, પારસ મહેતા, પ્રતીક મહેતા, પ્રફુલ્લ વોરા, જિગર છેડા, હિતેશ ખંડોર, નગરપતિ ઘનશ્યામ ઠક્કર, યુવક મંડળ પ્રમુખ આશિષ વારૈયા, મહિલા મંડળ પ્રમુખ નીતાબેન ચંદુરા તેમજ મુંબઈ, સુરત, અમદાવાદ અને વડોદરા સહિતના આગેવાનો, દાતા પરિવારના સભ્યો, વિવિધ કમિટીના સભ્યોએ જહેમત ઊઠાવી હતી, સંચાલન દીપકભાઈ કોઠારી અને આભારવિધિ વિનોદભાઈ મહેતાએ કર્યા હતા. 

© 2022 Saurashtra Trust