60 દિવસમાં 200થી વધુ એન્જિયોપ્લાસ્ટી/ગ્રાફી કરી કે.કે. પટેલ સુપર સ્પે. હોસ્પિટલ બની જીવનદાતા

60 દિવસમાં 200થી વધુ એન્જિયોપ્લાસ્ટી/ગ્રાફી કરી કે.કે. પટેલ સુપર સ્પે. હોસ્પિટલ બની જીવનદાતા
વસંત પટેલ દ્વારા -  કેરા (તા. ભુજ), તા. 30: કચ્છ આરોગ્ય ક્ષેત્રે સ્વાવલંબી બની રહ્યું છે. આજે વિશ્વ ડોક્ટર ડે છે અને કચ્છ માટે રાહતના સમાચાર છે કે, ભુજમાં વિશ્વ કક્ષાનું કેન્સર રેડિયેશન ટ્રુબીમ ઉપકરણ દર્દીઓની સેવામાં ઉતરી ચૂક્યું છે. કે.કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ 60 દિવસમાં 2000થી વધુ ઓપીડી અને 200થી વધુ હૃદય સારવાર કરી જીવનદાતા બની છે. તમામ યશ દાતાઓ સાથે તબીબોને છે કે, જેઓ સેવાભાવી ટ્રસ્ટ સાથે ખભેખભા મિલાવી જીવનદાન માટે નિમિત્ત બની રહ્યા છે.200થી વધુ સારવારમાં એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટીનો સમાવેશ થાય છે. ન માત્ર કચ્છ, પરંતુ ગુજરાતના આરોગ્ય ઈતિહાસમાં જેની નોંધ લેવાશે તેવી કે.કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ થઇ?તેના માત્ર 60 દિવસના આંક ઉપર નજર નાખવાથી એટલું તો સ્પષ્ટ છે કે, આ સેવાની અત્યંત જરૂર હતી. ડોક્ટર નહીં મળે. હાથી બાંધવા જેવું છે તેવા વ્યર્થ ઉદ્ગારો વચ્ચે તારણહાર બનેલી જિલ્લાની આ સૌ પ્રથમ ચેરિટેબલ હોસ્પિટલમાં લખપત-અબડાસાથી ભચાઉ - સામખિયાળી, ગાંધીધામ, ખાવડાથી મુંદરા દરેક તાલુકામાંથી દર્દીઓ આવ્યા છે. એટલું જ નહીં વધુ આશ્ચર્યની વાત એ છે કે, 70 જેટલા દર્દી કચ્છ બહારથી પણ અહીં સારવાર લેવા આવ્યા છે. અહીંના તબીબો કહે છે, આજુબાજુના જિલ્લાઓ ભવિષ્યમાં ભુજને અગ્રતા આપશે. અહીંના જાણીતા હૃદય નિષ્ણાંત ડો. જયદત્ત ટેકાણી અને ડો. મિત ઠક્કર ડોક્ટર ડે નિમિત્તે કચ્છમિત્ર સાથે ખાસ વાત કરતાં કહે છે કે, એક ફેફસાંવાળા દર્દી પણ બચાવાયા છે. અહીં એન્જિયોગ્રાફી પછી એન્જિયો પ્લાસ્ટી થયેલા દર્દીઓમાં 40 ટકા મહિલાઓ, 60 ટકા પુરુષો છે. ટૂંક સમયમાં  ભુજમાં બાયપાસ  સર્જરીઓ શરૂ કરાશે તેવું ડો. ધીરેન શાહે અમદાવાદથી જણાવ્યું હતું. સિમ્સ જેવી માતબર સંસ્થાનું નામ છે એટલે જિલ્લાની મોટી કંપનીઓ જોડાઇ રહી છે. નડિયાદની મુરજીભાઇ પટેલ  સુપર સ્પે. કિડની હોસ્પિટલના ડો. રોહન બત્રા, ડો. દેવલ પરીખ ફુલટાઇમ સેવારત છે. યુરોલોજી-નેફ્રો બંને વિભાગો પૂર્ણ ક્ષમતાથી શરૂ થઇ ગયા છે અને દર્દીઓનો પ્રવાહ છે. આઇસીસીયુ વિભાગમાં ડાયાલિસીસ સાથે કરવું પડે તેવા દર્દીને હાલ ડો. ઋગ્વેદ ઠક્કરે સારવાર આપી હતી. કચ્છના આરોગ્ય ઇતિહાસમાં પ્રથમ વખત 20 કરોડ રૂપિયાનું ટ્રુબીમ કેન્સર રેડિયેશન મશીન ગુરુવારે ભુજ કે.કે. પટેલ સુપર સ્પેશિયાલિટી પરિસરમાં આવી પહોંચતાં નવો અધ્યાય શરૂ થયો હતો. આવતા 15-20 દિવસોમાં આ અત્યાધુનિક મશીન કેન્સરની સારવાર માટે સેવારત થઇ જશે. ટ્રસ્ટ ચેરમેન ગોપાલભાઇ ગોરસિયાએ ડોક્ટર ડે નિમિત્તે કચ્છના તમામ તબીબો, મેડિકલ, પેરા મેડિકલ સ્ટાફને અભિનંદન આપ્યા હતા. સુપર સ્પે. હોસ્પિટલના મુખ્ય દાતા કે. કે. પટેલે કહ્યું, આ હોસ્પિટલ જિલ્લાના દરેક તબીબ માટે પુરક બનશે. આપણે સાથે મળી દર્દીઓની સારવાર કરવાની છે. 

© 2022 Saurashtra Trust