`જે પોતાનું સુખ વહેંચે છે, તેમનાં જીવનમાં દુ:ખોની બાદબાકી થાય''

`જે પોતાનું સુખ વહેંચે છે, તેમનાં જીવનમાં દુ:ખોની બાદબાકી થાય''
બોલ્ટન (યુ.કે.), તા. 30 : અમદાવાદ સ્થિત એસજીવીપી ગુરુકુળના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજી યુ.કે. સત્સંગ પ્રવાસમાં છે અને એ અંતર્ગત બોલ્ટન પહોંચ્યા હતા. જ્યાં તેમણે ભાગવત કથાના  પ્રસંગે વર્ણવતાં કહ્યું હતું કે, જે વ્યકિત પોતાનું સુખ સૌની સાથે વહેંચે છે તેમના જીવનમાં દુ:ખોની બાદબાકી અને સુખનો સરવાળો થયા કરે છે. કચ્છી લેવા પટેલ સમાજ (બોલ્ટન)ના પ્રમુખ માવજીભાઇ લીંબાણી, ઉપપ્રમુખ મૂળજીભાઇ હીરાણી વગેરેએ સ્વામીનું સ્વાગત કર્યું હતું. પૂ. સ્વામીએ પંચદિનાત્મક શ્રીમદ્ ભાગવત કથા પારાયણનો લાભ આપ્યો હતો. કોરોનાના કપરા કાળમાં દિવંગત થયેલા ભકતજનોની પવિત્ર સ્મૃતિ આ કથા સાથે જોડાયેલી હતી. સ્વામીએ જણાવ્યું હતું કે, ભગવાન શ્રીકૃષ્ણ નારાયણે અન્નકુટોત્સવ કર્યો. અન્નકુટનો પ્રસાદ નાનામાં નાના મનુષ્યો સુધી વહેંચવામાં આવ્યો. આપણા જીવનમાં આવનારા સુખના પ્રસંગો સૌની સાથે વહેંચવા જોઇએ. જે વ્યકિત પોતાનું સુખ સૌની સાથે વહેંચે છે તેમના જીવનમાં દુ:ખોની બાદબાકી અને સુખનો સરવાળો થયા જ કરે છે. સુખનો અર્થ માત્ર ભૌતિક સુવિધાઓની ઉપલબ્ધી નથી. સુખ એટલે આંતરિક શત્રુઓનો નાશ થવો. સુખ એટલે જીવનમાં સદ્ગુણોની અભિવૃદ્ધિ થવી. કથા દરમિયાન પાર્ષદ ઘનશ્યામ ભગતે ભજનોનું શ્રવણ કરાવ્યું હતું. શાત્રી જ્વલંતભાઇ મહેતાએ કથાના પ્રારંભે પૂજન કરાવ્યું હતું. કથા દરમિયાન કુરજીભાઇ પીંડોરિયા, અરવિંદભાઇ તથા હરેશભાઇ વરસાણી, કીર્તિભાઇ હિરાણી, રવિભાઇ પટેલ વિ. બોલ્ટન, માન્ચેસ્ટર, ઓલ્ડહામ આદિ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભકતજનો ઉપસ્થિત રહ્યા હતા. 

© 2022 Saurashtra Trust