નર્મદાનાં પૂરનાં પાણીની યોજનાનાં કામોમાં ઝડપ લાવવા અનુરોધ

નર્મદાનાં પૂરનાં પાણીની યોજનાનાં કામોમાં ઝડપ લાવવા અનુરોધ
ગાંધીનગર, તા. 30 : વિધાનસભાના અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્યે આજે જણાવ્યું હતું કે, મારા તથા કચ્છના આગેવાનોના સહિયારા પ્રયાસોથી રૂા. 4369 કરોડની કચ્છ જિલ્લાને વધારાનું 1 મિલિયન એકર ઘનફૂટ પાણી આપવાની યોજનાને સરકારની વહીવટી મંજૂરી મળી છે.કચ્છ જિલ્લાને વધારાનું 1 મિલિયન એકર ઘનફીટ પાણી મળવાથી 38થી વધારે ડેમ ભરાશે. 2 લાખ 81 હજાર હેક્ટર જમીન પિયત થવાની છે. સધર્ન કેનાલ, નોર્ધન કેનાલ, હાઇકન્ટુર સ્ટોરેજ, સારણ લિંક, દૂધઇ સબ કેનાલ અને રુદ્રમાતા ડેમ પણ ભરી શકીશું તથા ભૂગર્ભજળ જે ઊંડા ગયા છે, પાણીમાં ખારાશ આવે છે અને સિંચાઇના અભાવે ખેતી જે લગભગ બંધ થવાની સ્થિતિમાં છે તે ધરતીને નર્મદાનાં નીર મળવાથી નવપલ્લવિત થશે અને કચ્છના ખેડૂતો આર્થિક રીતે પગભર થઇ શકશે.યોજનાનું કામ ઝડપથી શરૂ થાય તે માટે સંબંધિત અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી અને આ કામગીરી સત્વરે શરૂ કરવા માટે તમામ વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી નજીકના ભવિષ્યમાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાત આવવાના છે તે સમયે આ યોજનાનું ખાતમુહૂર્ત થઇ શકે તે મુજબ ઝડપથી કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચનાઓ આપી હતી. 

© 2022 Saurashtra Trust