કચ્છમાં ખેડૂત મંડળીઓ વધારવા ખાતરી

મુંદરા, તા. 30 : દુનિયામાં ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતરો અને દવાઓનો વપરાશ નહિવત થાય તે માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. સમગ્ર જીવસૃષ્ટિ ભયમુક્ત અને ઝેરમુક્ત ખોરાક મેળવી શકે તે માટે ખેડૂતોને જાગૃત અને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે ત્યારે અદાણી ફાઉન્ડેશન મુંદરા દ્વારા આ કદમ ખૂબ પ્રેરણાદાયી છે તેવી લાગણી વ્યક્ત થઇ હતી. અદાણી ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડાયરેકટર વી. એસ. ગઢવીની મુલાકાત દરમ્યાન જ્યારે ક્ષેત્ર મુલાકાત માટે મંગરા ગામના રાજ શક્તિ ખેડૂત ગ્રુપ સાથે બેઠક દરમ્યાન તેઓની પ્રાકૃતિક ખેતીની કામગીરી નિહાળતાં ખેડૂતો સાથે મળીને સહકારી ધોરણે પોતાની ખેતી માટે જરૂરી વસ્તુઓ અને પોતાના ઉત્પાદનો ભેગા મળી ખરીદી અને વેચાણ માટે સહકારી મંડળી રજિસ્ટ્રેશન કરાવે તો જ તેઓ આગળ વધી શકે. આ વિચારને આ ખેડૂત ગ્રુપે વધાવી લઈને તે માટેના પ્રયત્નો શરૂ કર્યા જે આજે રાજશક્તિ પ્રાકૃતિક ખેતી સહકારી મંડળી લિ. `મંગરા'ના નામે રજિસ્ટ્રેશન થઈ. તેના મુખ્ય પ્રાયોજક ગિરીશભાઈ ચૌહાણે ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું કે, અમો પ્રાકૃતિક ખેતીમાં સામૂહિક ધોરણે કામ કરવાના જે પ્રયત્નો કરતાં હતાં તેમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા જે માર્ગદર્શન અને મદદ મળી તેનાથી આ શક્ય બન્યું છે. ગિરીશભાઇએ વધુમાં જણાવ્યુ કે `અમારી મંડળીમાં હાલે 30 ખેડૂતો જોડાયેલા છે. હજુ વધારે જીવન જરૂરી વસ્તુઓ લોકોને પૂરી પાડવા માટે 100થી વધારે ખેડૂતોને જોડીને કચ્છના મુખ્ય શહેરો ઉપરાંત ગુજરાતનાં મુખ્ય શહેરોમાં અમારા ઉત્પાદનો પહોંચાડીને ખરીદનારને વ્યાજબી ભાવે સારા ખેતઉત્પાદનો મળે અને અમોને પણ પોણષક્ષમ ભાવ મળે તે હેતુ છે. ભવિષ્યમાં અમારા 13 પ્રકારના શાકભાજી અને 8 પ્રકારના ફળપાકોનું મૂલ્યવર્ધન કરવાની પણ નેમ ધરાવીએ છીએ. ગુજરાત રાજ્યના કુટીર અને સહકાર વિભાગના મંત્રી જગદીશભાઇ પાંચાલના હસ્તે આ રજિસ્ટ્રેશન પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. અંજાર એ.પી.એમ.સી.ના પ્રાંગણમાં યોજાર્યા કાર્યક્રમમાં કલેકટર પ્રવિણા ડી.કે. તથા સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ તથા અનેક સહકારી વિભાગના પદાધિકારી અને અધિકારીઓની હાજરીમાં અર્પણ કરવામાં આવ્યા હતા. મંત્રીએ કહ્યું કે જ્યારે અદાણી ફાઉન્ડેશન દ્વારા આવું પ્રોત્સાહન મળ્યું છે જે સામાજિક ઉત્તરદાયિત્વનું પ્રેરક પગલું છે. સહકાર વિભાગ તરફથી અભિનંદન સાથે જ્યાં જરૂર પડશે ત્યાં જરૂર મદદ મળી રહેશે અને કચ્છમાં આ પ્રકારની વધારે મંડળી બને અને કાર્યરત થાય તેવા અમો પ્રયત્નો કરીશું. અદાણી પોર્ટ અને સ્પેશ્યલ ઈકોનોમી ઝોનના એક્ઝિક્યુટિવ ડાયરેકટર રક્ષિતભાઈ શાહે આ સહકારી મંડળીના પ્રાયોજક તથા તમામ સભાસદોને અભિનાંદન આપતા કહ્યું કે `જો ખેડૂતો સંગઠિત થઈને પોતાના પ્રાકૃતિક ઉત્પાદનો જાતે વેચતા થશે તો જ તેના સારા ભાવ મળશે અને ખાવાવાળા વર્ગને તાજા શાકભાજી અને ફળો મળી રહેશે.' અદાણી ફાઉન્ડેશનના યુનિટ સી.એસ.આર. હેડ પંક્તિબેન શાહે જણાવ્યુ કે `આજે સમયથી જોયેલું સપનું સાકાર થયું છે.' ડો. પ્રીતિબેન અદાણીએ કહ્યું કે ખેડૂતોના ઉત્પાદનો જાતે વેચીને ખાનારાઓનો જે વિશ્વાસ સંપાદન કરી શકે તે માધ્યમ માત્રને માત્ર તેનું સંગઠન જ છે. આપણે તમને હજુ વધારે પ્રોત્સાહિત કરી આગળ વધારીએ તેવી ખાત્રી આપી છે.