લોકકંઠની ગાથાઓ ભાવિ પેઢી સમક્ષ મુકાઇ

લોકકંઠની ગાથાઓ ભાવિ પેઢી સમક્ષ મુકાઇ
મોટા લાયજા (તા. માંડવી), તા. 30 : કચ્છ એ જતિ-સતી-જોગીઓ-સંતો-આઇઓની ધીંગી ધરા છે. કચ્છના ખૂણે-ખૂણે લોકવાયકાઓ સ્વરૂપે કંઠય પરંપરામાં સચવાયેલી પ્રતાપી મહાપુરુષો-માતાજીઓની ગાથાઓનું સમુચિત દસ્તાવેજીકરણ જરૂરી છે ત્યારે  માંડવી તાલુકાના પાંચોટિયા ગામે આજથી 337 વર્ષ અગાઉ થઇ ગયેલા પ્રતાપી આઇ પુનઇ, આઇ દેવશ્રી (દેશાં સતી) અને ચારણોના વીર વાછરા આધારનાં જીવનદર્શનને સમાવતું જાણીતા લેખક વિશ્રામ ગઢવી-મોટા લાયજા લિખિત `આઇ પુનઇમા-પાંચોટિયા' પુસ્તકનું વિમોચન સંતો-માતાજીઓનાં હસ્તે થયું હતું. આઇ પુનઇમાધામ પાંચોટિયા ખાતે ચારણોના આદ્ય-આરાધ્ય પૂ. આવળમા મંદિરનો ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો હતો. આયોજિત ધર્મસભાને સંબોધતાં પાલુ ભગતે ચારણી સાહિત્યની રસલહાણ પીરસી હતી. રાજડા ટેકરીના મહંત અર્જુનનાથજી બાપુએ આઇ પુનઇનાં જીવનદર્શન અને રાજપ્રભાવક અવતાર કાર્યને ગ્રંથસ્થ કરવા બદલ પ્રસન્નતા વ્યકત કરતાં લોકકંઠે સચવાયેલી ગાથાઓને  ભાવિ પેઢી સમક્ષ યોગ્ય સ્વરૂપે અક્ષરદેહે મૂકવાના પ્રયાસની સરાહના કરી હતી. પુંજલદાદાના અખાડા-મોરઝરથી ઉપસ્થિત દિલીપરાજા કાપડીએ જણાવ્યું કે ઉજળી ચારણ આઇ પરંપરાએ સમાજને ઘણું આપ્યું છે. કવિ નિર્મળદાન બાટીએ સ્વરચિત સયાખરું રજૂ કરી ભાવ વ્યકત કર્યો હતો. લાછબાઇમા, થારઇમાએ આશીર્વચન આપ્યા હતા. ખાસ ઉપસ્થિત પદ્મશ્રી નારાયણ જોશી?`કારાયલ'એ ચારણ આઇ પુનઇમાના લોકકલ્યાણકારી પ્રદાનની વંદના કરતાં પ્રકાશિત પુસ્તક પરિચય કરાવતાં લેખકની સાહિત્યસાધનાને બિરદાવી હતી. જિ.પં. કારોબારી ચેરમેન મહેન્દ્રભાઇ ગઢવી, અગ્રણી મોમાયાભાઇ ગઢવી, અખિલ કચ્છ ચારણ સમાજના માજી પ્રમુખ શામળાભાઇ ગઢવી, ઉ.પ્ર. દેવરાજ ગઢવી મંચસ્થ રહ્યા હતા. આયોજન અને વ્યવસ્થા હરિભાઇગઢવી અને પુનશી માણશી ગઢવીની આગેવાનીમાં ભાવિકોએ કરી હતી.કાર્યક્રમને સફળ બનાવવા ભૂવા પરિવાર અને આઇ પુનઇમાના ભાવિકોએ સહયોગ આપ્યો હતો. તા. ભાજપ પ્રમુખ સુરેશ સંઘાર, વિનુભાઇ?થાનકી સહિત હોદ્દેદારો-પદાધિકારીઓ, સામાજિક અગ્રણીઓ, આસપાસના ભાડા, નાના લાયજા, મોટા લાયજા, બાડા, બાંભડાઇ,  જનકપર, ભીંસરા સહિતનાં ગામોના સરપંચો -ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.પુસ્તક પ્રકાશન સમિતિના શામળા બાપા, કરશન કેશવ ગઢવી, સામત કાંયા ભૂવાએ સહભાગીઓનો આભાર માન્યો હતો. પુસ્તક વિમોચન કાર્યક્રમનું સંચાલન વિક્રમસિંહ પઢિયાર અને ધર્મસભાનું સંચાલન કચ્છી સાહિત્યકાર વિશ્રામ ગઢવીએ અને આભારદર્શન સામત કેશવ ગઢવીએ  કર્યું હતું. 

© 2022 Saurashtra Trust