ભુજમાં પાવડીથી રઘુનાથજીના આરા સુધી માછલી પકડવાનો કારસો વિફળ

ભુજ, તા. 30 : શહેરના હમીરસર તળાવમાં માછલી પકડવાનો બનાવ ફરી એકવાર સામે આવતાં જીવદયાપ્રમીઓમાં ભારે નારાજગી ફેલાઈ છે. મોડી રાત્રે પાવડીથી રઘુનાથજીના આરા સુધી પથરાયેલી જાળ આજે સવારે જાગૃત નાગરિકોએ પકડી પાડી તેમાંથી માછલીઓ અને કાચબા સહિતના જીવોને તેમાંથી છોડાવી તળાવમાં ફરી છોડી મુકાયા હતા.આજે સવારના ભાગે ભુજમાં પાવડી ગ્રુપના કાર્યકરો તેમજ રઘુનાથ જીનામ ટ્રસ્ટના કાર્યકરો તથા હમીરસર તળાવપ્રેમી જાગૃત નાગરિકોને તળાવમાં પાવડીથી રઘુનાથજીના આરા સુધીના વિસ્તારમાં માછલી પકડવા જાળ પથરાઈ હોવાનું જણાતાં તેમણે તાત્કાલિક જાળી બહાર કાઢી તેમાં ફસાયેલી અસંખ્ય માછલીઓ તેમજ કાચબાઓને જાળીમાંથી છોડાવી તળાવમાં પરત મૂકી આ જળચરોના જીવ બચાવ્યા હતા.બનાવ અંગે ભુજ સુધરાઈને જાણ કરાતાં સેનિટેશનની ટીમે સ્થળપર પહોંચી જાળીને બહાર કાઢી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, હમીરસર તળાવમાં અગાઉ પણ માછલી પકડવા જાળ નખાઈ હોવાના બનાવો પ્રકાશમાં આવ્યા છે. ત્યારે ફરી એકવાર બનાવ બનતાં જીવદયાપ્રેમીઓમાં નારાજગી ફેલાઈ છે. પાવડી આસપાસના વિસ્તારોમાં રાત્રિના ભાગે પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવાય તો આવી અસામાજિક પ્રવૃત્તિઓ પર રોક લાગી શકે તેવું જાગૃત નાગરિકોએ જણાવ્યું હતું.