ગાંધીધામમાં રાત્રે એક શખ્સની હત્યા

ગાંધીધામમાં રાત્રે એક શખ્સની હત્યા
ગાંધીધામ, તા. 30 : શહેરમાં કોઇ મુદ્દે થયેલી બબાલમાં મગનભાઇ મામદભાઇ કોળી (ઉ.વ.37)ની છરીના ઘા મારી હત્યા નીપજાવી નાખવામાં આવતાં ચકચાર મચી હતી. આ મોડી રાત્રે પ્રકાશમાં આવેલી મારામારીની આ ઘટનામાં બે લોકોને ઇજા પહોંચી હોવાના અહેવાલ સાંપડયા હતા. બહાર આવેલી વિગત અનુસાર મહેશ્વરી નગર ઝૂંપડા વિસ્તારમાં  રાત્રિના 9.30 વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. મૃતક મગનભાઇ અને તેમના પત્ની જયશ્રીબેન બંને પગપાળા બહાર ફરવા નીકળ્યા હતા, દરમ્યાન મંજુબેન કિશોરભાઇ મહેશ્વરી સાથે બોલાચાલી થઇ હતી ને મામલો બિચક્યો હતો.રામબાગ હોસ્પિટલ ખાતેથી આવેલી નોંધને ટાંકીને એ ડિવિઝન પોલીસે પ્રાથમિક વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ ઘટનામાં  મંજુબેને મગનભાઇને ગળાના ભાગે છરીના ઘા માર્યા હતા. સામા પક્ષે મારામારીમાં મંજુબેનને પણ છરી વાગી હતી. તેમજ જયશ્રીબેનને પણ ઇજા પહોંચી હતી. બંને ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે ભુજ જી.કે. જનરલ હોસ્પિટલમાં મુકાયા હતા. આ લખાય છે ત્યારે રાત્રિના સવા બાર વાગ્યે પોલીસે વિધિવત રીતે ફરિયાદ નોંધવા સહિતની કાર્યવાહીમાં પરોવાયેલી હોવાથી વધુ વિગતો જાણી શકાઇ નહોતી. 

© 2022 Saurashtra Trust