આડેસર પાસે ચોખાની આડમાં 5.14 લાખનો દારૂ ઝડપાયો

આડેસર પાસે ચોખાની આડમાં 5.14 લાખનો દારૂ ઝડપાયો
રાપર, તા. 30 : તાજેતરમાં રેન્જ કચેરી દ્વારા  માખેલ  પાસેથી ટ્રકમાં શરાબનો જથ્થો ઝડપી પાડયા બાદ  સ્થાનિક પોલીસે પંજાબ પાસિંગના ટ્રેઈલરમાંથી પ.14 લાખની કીમતનો અંગ્રેજી પ્રકારનો શરાબનો જથ્થો ઝડપી પાડયો હતો. આ કાર્યવાહી દરમયાન ચોખાની બોરીઓ, ટ્રક સહીત રૂ. 36.06લાખનો મુદામાલ કબ્જે કરાયો છે. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ સાંતલપુરથી ટ્રેઈલરમાં ચોખાની આડમાં શરાબ ભરીને આડેસર ચેકપોસ્ટથી ગાંધીધામ  લઈ જવાતો હોવાની બાતમીના આધારે આડેસર પોલીસે  ચેકપોસ્ટ ખાતે  વાહન ચેકીંગ  આદર્યું હતું.  આ દરમ્યાન બાતમી મુજબ પી.બી. 07.એ. એસ. 5327 નંબરનું ટ્રેઈલર પસાર થયું હતું. પોલીસે તેને રોકવાનો ઈસારો કર્યો હતો પરંતુ ચાલકે  પોલીસને જોઈને વાહન દોડાવી દીધું હતું.  પોલીસે  ટ્રેઈલરનો પીછો કરી આડેસર ગામના પુલીયા પાસે  વાહનને ઝડપી પાડયું હતું. આરોપી ચાલક ગુરૂસાહિબસિંઘ બક્ષિસસિંઘ સિંઘને પોલીસે ઝડપી પાડયો હતે. ટ્રેઈલરને  પોલીસ મથકમાં લઈ જઈને  તાલપત્રી ખોલી તપાસ કરાતા ચોખાની બોરીઓમાં સંતાડેલી શરાબની પેટીઓ નીકળી પડી હતી. ટ્રકમાંથી બ્લેડર પ્રીમીયમ વ્હીસ્કીની 1.92 લાખની   કીમતની 204 નંગ બોટલો, રોયલ ચેલેન્જ ફાઈન રીઝર્વ વ્હીસ્કીસની 1.87 લાખની કીમતની 360 નંગ બોટલો, અને મેકડોવેલ્સ નંબર વન. કલેકશન વ્હીસ્કીની 1.35 લાખની કીમતની 360 નંગ બોટલો કબ્જે કરવામાં આવી હતી. પોલીસે રૂ. 20 લાખની કીમતનું  ટ્રેઈલર, 10.86 લાખની કીમતની ચોખાના 320 નંગ કટ્ટા, 5 હજારની કીમતનો એક નંગ મોબાઈલ ફોન,  સહીતનો મુદામાલ કબ્જે કરાયો હતો. આરોપી શરાબ કયાંથી ભર્યો, કયાં આપવાનો હતો તે અંગેની વિગત કહેવામાં ગલ્લા તલ્લા કરતો હતો. ટ્રકમાથી લટ્ટી ટ્રાન્સપોર્ટ કંપનીની બીલ્ટી મળી આવી હતી. જેમાં માલ મોકલનાર તરીકે કવોલીટી ઓવરસીઝ, બનવાલીપુર અને માલ લેનાર તરીકે જી.એસ.ઈન્ફ્રાપોર્ટ પ્રા.લી, ફ્રેન્ડસ સોલ્ટ વર્કસ એલાઈડ ઈન્ડસ્ટ્રીઝ રેલવે ક્રોસીંગ ઝીરો પોઈન્ટ કંડલાનું નામ લખેલું છે. અને માલની વિગતમાં નોન બ્રાન્ડેડ રાઈઝ લખેલું  હતું.આ કાર્યવાહીમાં આડેસર પી.એસ.આઈ બી.જી. રાવલ, રાજેશ વિરમભાઈ, ગાંડાભાઈ અણદાભાઈ, કાંતિસિંહ ઓખાજી, સંજયકુમાર અણદાભાઈ, ભરતજી વદનજી, વિજયસિંહ સહદેવસિંહ, દલપતસિંહ પીરાજી, નિકુલકુમાર  ભુપતાજી વિગેરે જોડાયા હતા. - ત્રંબૌમાંય શરાબ કબ્જે  : રાપર તાલુકાના ત્રંબૌ ગામમાંથી પોલીસે અંગ્રેજી પ્રકારનો શરાબ ઝડપી પાડયો હતો. બાતમીના આધારે ગત રાઐત્રીના 1.30 વાગ્યાના અરસામાં ભેંસ બાંધવાના વાડાની ઓરડીમાંથી  દારૂના અલગ અલગ બ્રાન્ડના44 નંગ કવાટરીયા અને બીયરના 11 નંગ ટીન સહીતનો જથ્થો કબ્જે કર્યો હતો. રાપરમાં ત્રંબૌ નિવાસ ખાતે રહેતો આરોપી પૃથ્વીસિંહ ઉર્ફે ગટી કેન્દુભા પ્રવિણસિંહ જાડેજા નાસી ગયો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.  

© 2022 Saurashtra Trust