શિણાય પોલીસ હેડકવાર્ટરમાં શિક્ષિત બેરોજગારો માટે તાલીમ વર્ગ યોજાયો

ગાંધીધામ, તા. 30 : પૂર્વ કચ્છના અનુસૂચિત જાતિના શિક્ષિત યુવાનો માટે શિણાય પોલીસ હેડકવાર્ટર ખાતે તાલીમ વર્ગ શરૂ કરાયો હતો.અનુસૂચિત જાતિના શિક્ષિત યુવાનો-યુવતીઓ સરકાર દ્વારા આયોજિત હેતુલક્ષી તાલીમનો લાભ મેળવી પગભર થઇ સમાજના મુખ્ય પ્રવાહમાં સામેલ થઇ શકે તે હેતુથી શિણાય હેડકવાર્ટર ખાતે તાલીમ વર્ગનો પ્રારંભ કરાયો હતો. પોલીસ, લશ્કર, અર્ધ લશ્કર, સરકારના અન્ય વિભાગોની ભરતીમાં જોડાવવાની તક આ યુવાનોને મળે તેવા આશયથી યોજાયેલા આ તાલીમ વર્ગનો દિપ પ્રાગટયથી પોલીસ વડા મહેન્દ્ર બગડીયાએ પ્રારંભ કરાવ્યો હતો. પોલીસ વડાએ આગામી સમયમાં આવનારી સરકારની વિવિધ પરીક્ષાઓમાં ભાગ લઇ ઉતીર્ણ થવા જરૂરી માર્ગદર્શન,પ્રોત્સાહન યુવાનોને પૂરું પાડયું હતું. પરિવર્તન એકેડેમીના નિષ્ણાતો દ્વારા અનુ.જાતિના 39 તાલીમાર્થીને નિ:શુલ્ક તાલીમ આપવામાં આવી રહી છે.