આજે ઇતિહાસ રચવા ઉતરશે ટીમ ઇન્ડિયા

એજબેસ્ટોન, તા. 30 : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ગયા વર્ષની ટેસ્ટ શ્રેણીની બાકી રહેલી પાંચમી ટેસ્ટ મેચ 1 જુલાઈને શુક્રવારથી અહીં રમાવાની છે. નિયમિત સુકાની રોહિત શર્માનો બીજો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવતાં તે મેચ રમશે નહીં અને જસપ્રીત બુમરાહ કપ્તાની કરશે. ગત વર્ષે પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં છેલ્લી ટેસ્ટ કોરોનાના કહેર વચ્ચે સ્થગિત કરવી પડી હતી, જે હવે રમાશે. ભારતીય સમય મુજબ સવારે 10:30 કલાકથી મેચ શરૂ થશે. આ ટેસ્ટ સાથે ટીમ ઇન્ડિયાની નજર ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ પર રહેશે. આ ટેસ્ટ ભારત માટે મહત્વની છે જે જીતી અથવા ડ્રો કરાવી તો ભારતનો ઐતિહાસિક શ્રેણી વિજય થશે. શ્રેણીમાં ભારત ર-1થી આગળ છે. ગત વર્ષે ઓલ્ડટ્રેફર્ડમાં પ્રસ્તાવિત પાંચમી ટેસ્ટ કોરોનાને કારણે રમવા ઘણા ભારતીય ખેલાડીઓએ ઈનકાર કર્યો હતો. જેથી વિવાદ પણ થયો હતો કે ખેલાડીઓને ખરેખર તો આઇપીએલ રમવી છે એટલે ટેસ્ટના ભોગે આઇપીએલને અગ્રતા આપી રમવા ઈનકાર કર્યો હતો.  કે.એલ. રાહુલ બાદ રોહિતની પણ ગેરહાજરીને લીધે ભારતને ફટકો પડયો છે. ન્યૂઝીલેન્ડ સામે ક્લીન સ્વીપ કરનાર ઇંગ્લેન્ડ સામે જીતનો મોટો પડકાર છે. ભારતીય ટીમ હાલ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની રેકિંગમાં ત્રીજાં સ્થાને છે અને ફાઇનલમાં પહોંચવાની તક છે. ઇંગ્લેન્ડ વિરુદ્ધ એક માત્ર ટેસ્ટ જીતી ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ તરફ કૂચ કરી શકે છે. ભારતે હજુ કુલ 7 ટેસ્ટ રમવાની છે જેમાં 4 ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ, બે બાંગ્લાદેશ સામે અને એક ઇંગ્લેન્ડ વિરુદ્ધ છે. ઓસ્ટ્રેલિયા અને દ.આફ્રિકા હાલ ટોચના ક્રમે છે. ભારતે ફાઇનલમાં પહોંચવા 7 ટેસ્ટમાં વધુને વધુ મેચ જીતવી પડશે.  

© 2022 Saurashtra Trust