ભુજ સુધરાઇ દ્વારા ભુજિયા તળેટીમાં કરાવાતી સફાઇનો ખર્ચ ઝોનના કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલાશે
ભુજ, તા. 30 : સફાઇ મુદ્દે ઉઠેલી ફરિયાદોને પગલે સુધરાઇ દ્વારા કડક રૂખ અપનાવાયો છે અને જ્યાં સફાઇનો અભાવ હતો ત્યાં અન્ય કોન્ટ્રાક્ટરને કામ સોંપી તેનો ખર્ચ તે ઝોનના કોન્ટ્રાક્ટરના ચૂકવણામાંથી કાપવા નિર્ણય કર્યો હતો. આ અંગે ભુજ સુધરાઇ પ્રમુખ ઘનશ્યામ ઠક્કરનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી ભુજમાં વિવિધ વિસ્તારોમાં સફાઇની રાડ ઊઠી હતી. જેને પગલે સફાઇના કોન્ટ્રાક્ટરોને નોટિસ આપી આખરી તાકીદ કરાઇ?હતી. દરમ્યાન ભુજિયાની તળેટીમાં ખડકાયેલા ગંદકીના ગંજ અન્ય કોન્ટ્રાક્ટરને કામ સોંપી સાફ કરાવાયા હતા. આ કામગીરીનો ખર્ચ આ ઝોનનો સફાઇનો કોન્ટ્રાક્ટરના ચૂકવણામાંથી વસૂલાશે તેમજ જો આજ પરિસ્થિતિ રહી તો સુધરાઇ કોન્ટ્રાક્ટ રદ્ કરી તેના સ્ટાફ મારફતે જ સફાઇ કરાવશે તેવું પણ શ્રી ઠક્કરે ઉમેર્યું હતું.