ટ્રસ્ટનો ફાળો આપવામાં કચ્છીઓ રાજ્યમાં બીજા ક્રમે

ભુજ, તા. 29 : કચ્છી માડુઓની ઇમાનદારી અને પ્રામાણિકતાનો ડંકો દેશ-વિદેશમાં વાગી રહ્યો છે, ત્યારે સરકારી તંત્રને ભરવાના થતા સરકારી લેણાં ભરવામાંય પાછળ નથી. કચ્છમાં નોંધાયેલા જાહેર ટ્રસ્ટ અને સંસ્થાઓને મળતી આવકમાંથી વર્ષના અંતે ફાળાની રકમ નાયબ ચેરિટી કમિશનરની કચેરીમાં ભરપાઇ કરવાની હોય છે. આ રકમનો આંક દર વર્ષે દોઢ કરોડની આસપાસ રહે છે, પરંતુ નિયમિત ફાળો ભરવામાં કચ્છ રાજ્યમાં અમદાવાદ જિલ્લા પછી બીજા ક્રમે આવે છે. આમ, સામાન્ય લોકોની એવી માનસિકતા હોય કે સરકારી લેણું ગમે ત્યારે ભરશું ચાલશે, પરંતુ એવું નથી. દરેક વિષયમાં કચ્છીમાડુ આળશ કરતો નથી. હા, ક્યાંક નગરપાલિકા કે ગ્રામ પંચાયતના સામાન્ય વેરા સમયસર ભરવામાં જાગૃતિ આવી નથી. એવું જ ક્યાંક વીજબિલમાં પણ તંત્ર હાંફી જાય છે. સમયસર બિલ આપ્યા પછી મહિનાઓ સુધી ભરપાઇ ન થાય ને આખરે વીજજોડાણ કાપવા પડે છે, પરંતુ જાહેર ટ્રસ્ટ ક્ષેત્રના વિષયમાં ઊલટું ચિત્ર છે. જાહેર ટ્રસ્ટ જ્યાં નોંધાયેલા છે એ ભુજની બહુમાળી ભવનમાં આવેલી નાયબ ચેરિટી કમિશનરની કચેરીના ઇન્ચાર્જ અધીક્ષક એસ. એમ. કોઠારી તથા હિસાબનીશ પી. સી. ઠાકોર પાસેથી મળેલી માહિતી પ્રમાણે કચ્છમાં 9 હજારથી વધુ ટ્રસ્ટ નોંધાયેલા છે. પરંતુ નિયમિત નિયમોનું પાલન અડધાથી ઓછી સંસ્થાઓ  કરે છે. બંને કર્મચારીઓના જણાવ્યા પ્રમાણે ચાર હજાર ટ્રસ્ટ એવા છે જે નિયમિત છે. ઓડિટ રિપોર્ટ સમયસર મોકલી આપે છે અને મળતા દાનના હિસાબ પ્રમાણે ફાળાની રકમ પણ ભરપાઇ કરતા હોય છે. કચ્છની આ સંસ્થાઓ તરફથી રૂપિયા 1.50 કરોડની રકમ ફાળા સ્વરૂપે આપે છે. તેઓના જણાવ્યા પ્રમાણે ફાળાની આવક ક્ષેત્રે રાજ્યમાં સૌથી ટોપ ઉપર અમદાવાદ જિલ્લો આવે છે અને નંબર ટુમાં કચ્છ છે. આવક ક્ષેત્રે રાજ્યમાં કચ્છનો નંબર બીજો છે. નવી સંસ્થાઓ રચાય છે એ સવાલ સામે તેમણે જણાવ્યું કે હવે બહુ ઓછા ટ્રસ્ટની નોંધણી થાય છે. કારણ કે નવા નિયમો પ્રમાણે અરજી કરનારા પૂરા નિયમોનું પાલન કરતા નથી એટલે નવી અરજીઓ ઘટી ગઇ છે. સામે કચ્છમાં જે નવ હજાર ટ્રસ્ટ નોંધાયેલા છે તેમાં પાંચ હજાર તો સાવ બંધ હાલતમાં જ છે. ચાર હજાર ઓડિટ રિપોર્ટ આવે છે, બાકીના કાગળ ઉપર છે. કોઇ કાર્યવાહી કરાય છે એ સવાલ સામે તેમણે જણાવ્યું કે, 1950ના એક્ટ પ્રમાણે સંસ્થાને રદ કરી શકાતી નથી. અમે નોટિસ મોકલી ખુલાસો માગીએ છીએ. સામે જે ફેરફાર રિપોર્ટ આવે છે તેમાં ત્રણ સોગંદનામાં ફરજિયાત છે એ કરવામાં આવતા નથી એટલે અરજીઓ પેન્ડિંગ રહે છે. સૌથી વધુ ટ્રસ્ટ ક્યારે નોંધાયા હતા એ પ્રશ્ન સામે કહ્યું કે, ધરતીકંપ વખતે સહાયના ધોરણોને ધ્યાને લઇ ટ્રસ્ટ રચાયા હતા. પછી સાવે બંધ હાલતમાં જ છે. આવી જુદી જુદી સંસ્થાઓની સંખ્યા પાંચેક હજાર છે. કારણ કે પ્રવૃત્તિ ચાલુ છે કે નહીં એ કોઇ વિગતો અહીં સુધી પહોંચતી નથી. 

© 2022 Saurashtra Trust