કચ્છમાં કોરોનાના 15 કેસ

ભુજ, તા. 30 : કચ્છમાં કોરોનાના કેસોનું સાતત્ય રહેવા સાથે ઉછાળો આવતો રહી આજે એકસામટા 15 પોઝિટિવ નોંધાતાં સાવચેતી નહીં દાખવાય તો કોરોના ગંભીર બની શકે તેવી ભીતિ સર્જાઇ રહી છે. ભુજના છ કેસમાં રાવલવાડીમાં બે, ગણેશનગરમાં એક, લુહાર ચોકમાં બે અને નાના વોકળામાં એક કેસ નોંધાયા, તો તાલુકાના માધાપરમાં બે, કોડકીમાં બે અને એક ઢોરી ખાતે નોંધાયો છે.ગાંધીધામમાં એક અને એક તાલુકામાં, તો અંજાર અને અબડાસાના ગ્રામ્ય ક્ષેત્રોમાં એક-એક કેસ નોંધાયા છે. બીજી બાજુ ભુજના છ અને ગાંધીધામમાં બે દર્દીઓ સ્વસ્થ થયા છે. જિલ્લામાં 5780 રસીના ડોઝ અપાયા હતા, જેમાં સૌથી વધુ 1291 રાપર તા.માં, તો સૌથી ઓછા 112 મુંદરા તાલુકામાં વેક્સિન ડોઝ અપાયા હતા.કચ્છમાં એક્ટિવ પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 47 થઇ ગઇ છે. જો કે, કોવિડ દર્દીઓને ઓપીડી સારવારમાં જ સારું થઇ જાય છે. સત્તાવાર સૂત્રોનું માનીએ તો આરોગ્ય તંત્ર દ્વારા ટેસ્ટિંગ વધારાયું છે. તેથી અને જાગૃત લોકો દ્વારા ખાનગી લેબમાં આરટીપીસીઆર ટેસ્ટ કરાવવાનું વધ્યું હોવાથી આંક ઊંચકાઇ રહ્યો છે. કોરોનાના કેસો ગંભીર નથી, પણ સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. 

© 2022 Saurashtra Trust