શિણાય-તુણા રસ્તે મકાનનું ડિજિટલ લોક ખોલીને 95 હજારની તસ્કરી !

ગાંધીધામ, તા 30 : શિણાય-તુણા રોડ ઉપર આવેલી એક સોસાયટીમાં મકાનમાં વાસ્તુ થાય તે પહેલાં જ તસ્કરોએ હાથ માર્યો હતો. બંધ મકાનના કોમ્પ્યુટરાઇઝડ દરવાજાના લોક ખોલી અંદર ઘુસેલા તસ્કરોએ તેમાંથી રૂા. 95,000ની મત્તાની ચોરી કરી હતી. શહેરની ગોપાલપુરી કોલોનીમાં રહેતા તથા દીનદયાળ પોર્ટ ઓથોરીટીમાં એકાઉન્ટસ ઓફિસર તરીકે ફરજ બજાવતા તુષાર અજીત કુમાર ચક્રવર્તીએ શિણાય નજીક રોયલ હોટચર નામની સોસાયટીમાં મકાન નંબર બી-43વાળું લીધું છે. ગોપાલપુરીથી આ મકાનમાં તેમને શિફટ થવું હોવાથી ગત તા. 28-6ના તેમણે અમુક વસ્તુઓ આ નવા મકાનમાં પહોંચાડી હતી. અને રાત્રે પરત ગોપાલપુરી આવી ગયા હતા તે દરમ્યાન તા. 29-6ના સવારે સાઇટ એન્જિનીયર પ્રવિણ કુમારે તેમને ફોન કરી તમારા નવા મકાનમાં ચોરી થઇ હોવાની વાત કરી હતી.ફરિયાદી અને તેમના પત્ની નવાં મકાને દોડી જતાં કોમ્પ્યુટરાઇઝડ દરવાજો બંધ હતો પાછળના બેડ રૂમના દરવાજાની બારી ખુલ્લી જણાઇ હતી. કોમ્પ્યુટરાઇઝડ દરવાજાના લોક ખોલી દરવાજો ખોલી ફરિયાદી અંદર જતાં કોઇ શખ્સોના કાદવવાળા પગના નિશાન નજરે પડયા હતા. તથા બેડ રૂમના અંદરના દરવાજાનું હેન્ડલ લોક તુટેલું જણાયું હતું.આ નવા મકાનમાંથી તસ્કરોએ સોની કંપનીનું 43 ઇંચનું ટીવી એલ.જી. કંપનીનું મ્યુઝિક સિસ્ટમ, ફરિયાદીની પત્નીની બનારસી, કાંજીરવમ, બંગાલી, પ્યોર સિલ્કની 100 સાડી. લગ્નની જોડ (કપડાં), લેડીઝ ડ્રેસ નંગ-50 એમ કુલ્લ રૂા. 95,000ની માલ મતાની ચોરી કરી નાસી ગયા હતા. પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે આ બનાવ ગત તા. 28-6ના રાત્રે 10-30થી 29-6નાં સવારે 9-30 અરસામાં બન્યો હતો.તેમના કોમ્પ્યુટરાઇઝડ દરવાજાના લોક અંગે ફરિયાદી તથા તેમના પત્નીને જાણ હતી. અન્ય કોઇને નથી. ત્યારે તસ્કરોને આ નંબરની કેવી રીતે ખબર પડી અને તેમણે દરવાજો કેવી રીતે ખોલી, બાદમાં બંધ કરીને નાસી ગયા હતા. તે પ્રશ્ન છે આ પ્રકરણમાં જાણભેદુ હોવાની આશંકાના પગલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

© 2022 Saurashtra Trust