ટપ્પર સીમમાં થયેલી દોઢ લાખની ચોરીનો ભેદ ઉકેલાયો

ગાંધીધામ, તા. 30 : અંજાર તાલુકાના ટપ્પર ગામની સીમમાં આવેલી એક કંપનીમાંથી થયેલી રૂા. 1,50,000ની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી લીધો હતો. આ પ્રકરણમાં પાંચ શખ્સની અટક કરી દુધઇ પોલીસના હવાલે કરાયા હતા. ટપ્પરની સીમમાં આવેલી વી.કે. ઓઇલ પ્રા.લિ. નામની કંપનીમાંથી ગત તા. 18-4ના રાત્રે 12થી બે વાગ્યાના અરસામાં ચોરીનો બનાવ બન્યો હતો. આ કંપનીના ઇલેકટ્રીક વિભાગમાંથી એસ.એસ. વાલ્વ, ફિલ્ટર પ્રેસ ફ્રેમ, તાંબાના વાયર, પમ્પ, મોટર વગેરે રૂા. 1,50,000ની ચોરી થઇ હતી જે અંગે કંપનીના કામદાર શામજી રાધા ચૈયા (આહીર) એ ગત તા. 12-5ના દુધઇ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ગાંધીધામના રેલવે મથક સામે ઓવરબ્રિજ પાસે ઊભેલા પાંચ શખ્સે ચોરીના બનાવને અંજામ આપ્યો હોવાની પૂર્વ બાતમીના આધારે એલ.સી.બી.એ આ પાંચ શખ્સને પકડી પૂછપરછ કરતાં ટપ્પરની ચોરી કરી હોવાની કેફિયત આપી હતી. પોલીસે જુશબ ઉર્ફે બાડો ઉસ્માન ટાંક, સંજય ઇશ્વર દેસાઇ, નવીન ઉર્ફે કાગડો વાલજી મહેશ્વરી, હનિફ ઇશાક સોતા અને સુનીલ કિશન દેવીપૂજકની ધરપકડ કરી દુધઇ પોલીસના હવાલે કર્યા હતા. આ શખ્સો કંપની પાસે બોલેરો લઇ જઇ ચોરી કરી વાહનમાં માલ નાખી નાસી ગયા  હતા તેવું પોલીસે જણાવ્યું હતું. ચોરીમાં ગયેલો મુદ્દામાલ જપ્ત કરવા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

© 2022 Saurashtra Trust