ભુજની પરિણીતાએ એસિડ ગટગટાવતાં મોત
ભુજ, તા. 30 : કચ્છના વિવિધ અપમૃત્યુના બનાવોમાં ચાર જિંદગી મોતના ખપ્પરમાં હોમાઇ છે.ભુજની 36 વર્ષીય પરિણાત મુમતાઝ અબ્દુલસતાર હિંગોરજાએ એસિડ ગટગટાવી મોતને વહાલુ કર્યું હતું તો 24/6ના ડગાળામાં 23 વર્ષીય યુવાન મહેશ દામા પઢિયારે ઝેરી દવા પી લેતાં ગઇકાલે તેનું સારવાર દરમ્યાન પ્રાણપંખેરું ઊડી ગયું હતું. જ્યારે કાઠડાના માનસિક રીતે બીમાર 35 વર્ષીય કમલેશ લધુભાઇ મહેશ્વરીએ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું.ઉપરાંત ગઇકાલે સાંજે ગળપાદરની ભાગ્યશ્રી સાઇટ પર કામ કરતા 58 વર્ષીય રવીન્દ્રસિંહ સૈની બોલાચાલી દરમ્યાન બેભાન થઇ ગયા બાદ તેનું મોત થયું હતું.ભુજના કેમ્પ એરિયામાં રહેતી 36 વર્ષીય પરિણીત મહિલા મુમતાઝ અબ્દુલસતાર હિંગોરજાએ આજે સવારે પોતાના ઘરે કોઇ અગમ્ય કારણસર એસિડ ગટગટાવી જતાં તેને શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર તળે ખસેડાયા હતા પરંતુ સારવાર કારગત ન નીવડતાં તેનું મોત નીપજ્યું છે. બી-ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી મરણ પાછળના કારણ શોધવા તપાસ હાથ ધરી છે.બીજીતરફ ભુજ તાલુકાના ડગાળામાં રહેતા મૂળ બેલા (તા.રાપર)ના 23 વર્ષીય યુવાન મહેશ દામાભાઇ પઢિયાર છેલ્લા પાંચેક વર્ષથી માનસિક રીતે અસ્થિર હોઇ ગત તા. 24/6ના પોતાની ઓરડીમાં પોતે રંજકામાં છાંટવાની ઝેરી દવા પી લેતાં તેને સારવાર અર્થે જી. કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ છ દિવસની સારવાર કારગત ન નીવડતાં ગઇકાલે હોસ્પિટલના બિછાને તેણે અંતિમ શ્વાસ લીધા હતા. પદ્ધર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.જ્યારે માંડવી તાલુકાના કાઠડા ગામે માનસિક રીતે બીમાર એવા 35 વર્ષીય યુવાન કમલેશ લધુભાઇ મહેશ્વરીએ ગઇકાલે માનસિક બીમારીથી કંટાળીને પોતાની રીતે સાંજે 6 વાગ્યા પહેલાં કોઇ પણ સમયે ગળેફાંસો ખાઇ જીવનલીલા સંકેલી લીધી હતી. માંડવી પોલીસે અપમૃત્યુનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. દરમ્યાન, ગઇકાલે સાંજે ગાંધીધામના ગળપાદરની ભાગ્યશ્રી સાઇટ ઉપર કામ કરતા 58 વર્ષીય રવીન્દ્રસિંહ સૈનીની લક્ષ્મણભાઇ નામના વ્યક્તિ સાથે બોલાચાલી થતાં બેભાન થઇ ગયા હતા. આથી તેમને હરિઓમ ટ્રસ્ટની હોસ્પિટલ લઇ જતાં મૃત્યુ પામ્યા હતા. ત્યારબાદ રામબાગ હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ અર્થે લવાયા હતા. શરીરના ભાગે કોઇ ઇજાના નિશાન ન હોવાનું તબીબે જણાવ્યું હતું. ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.