અંજાર-ભુજ તા.ના રસ્તા માટે 25.60 કરોડ

અંજાર, તા. 30 : રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંજાર વિધાનસભા મત વિસ્તારના અંજાર-ભુજ તાલુકાના 22થી વધુ ગ્રામ્ય વિસ્તારના 80 કિ.મી. રસ્તાના કામો માટે રૂા. 25.60 કરોડની રકમ `મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના' સ્કીમ હેઠળ વર્ષ 22-23માં મંજૂર કરવામાં આવી છે. આ રસ્તાઓની કામગીરી માટે તાત્કાલિક પ્રક્રિયા હાથ ધરવા માટે કાર્યપાલક ઇજનેરને સૂચના આપવામાં આવી હોવાનું ધારાસભ્ય વાસણભાઇ આહીરે જણાવ્યું હતું. માહિતી આપતાં પૂર્વ ધારાસભ્ય શ્રી આહીરે જણાવ્યું હતું કે, રાજ્યના માર્ગ અને મકાન, વાહનવ્યવહાર તેમજ નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસના કેબિનેટમંત્રી પૂર્ણેશભાઇ મોદી પાસે અંજાર-ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ સુધારણા તેમજ નવા રસ્તાઓ અંગે કરાયેલી રજૂઆતને પગલે રૂા. 25.60 કરોડની ફાળવણી કરાઇ છે.આ તાલુકાના ગ્રામ્ય વિસ્તારને રસ્તાઓની નવી સુવિધા પ્રાપ્ત થશે અને નવા માર્ગોના નિર્માણથી વિકાસને નવી દિશા મળશે. રોડની કામગીરી માટે જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતા વી. કે. હુંબલની રસ્તાઓની રજૂઆતને પણ આ કામગીરીમાં મંજૂરી આપવામાં આવી છે. રાજ્ય સરકાર કે તેમના દ્વારા પ્રજાની સુખાકારી માટે વિકાસકામોમાં કોઇ પણ ભેદભાવ કરાતો નથી તેવું જણાવી કામગીરી માટે માતબર રકમની ફાળવણી કરવા માટે શ્રી મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. મંજૂર કરાયેલા રોડની કામગીરીમાં સંઘડ વેબ્રિજથી વીરા રોડ 6 કિ.મી., લાખાપરથી અંકલેશ્વર મહાદેવ સુધી એપ્રોચ રોડ 3 કિ.મી. તેમજ ટપ્પર (ગોપાલનગર) રોડ 3 કિ.મી., કોટડા-ચાંદરાણી એપ્રોચ રોડ 1.5 કિ.મી., જૂની દુધઇથી નવી દુધઇ સુધીનો રોડ 2 કિ.મી., અંજારથી ખારા પસવારિયા, સાપેડાથી ભાદ્રોઇ, હીરાપરથી મોડસર, રતનાલથી ભાદ્રોઇ, ભુજ તાલુકાના મોટા બંદરાથી ભજન ભોપરા, રવિભાણ આશ્રમ સુધી, ચંદિયા-વરલી, લોલાડી માતાજી સુધી તૈયાર થશે. ધમડકાથી ભવાનીપર, વરસામેડી શાંતિધામ, ભીમાસર એપ્રોચ રોડ, મોટી ખેડોઇ એપ્રોચ રોડનો સમાવેશ થાય છે. મેઘપર કુંભારડીથી બોરીચી સુધી એપ્રોચ રોડ, રતનાલના જૂના ગામથી રતનાલ નવા ગામ વાયા સ્ટેડિયમ ધાણેટી 4 રસ્તા, ચંદ્રુઆ ડુંગર રોડ, નાની રેલડી, મોટી રેલડી, ભારાપરથી વરઝર રોડ, મોટા બંદરાથી નાના બંદરા, 5 કિ.મી., અંજાર તાલુકાના પશુડા ગામનો એપ્રોચ રોડ, પુલ 500 મીટર રૂા. 25 લાખના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો છે. 

© 2022 Saurashtra Trust