ભુજ કોમ. બેન્કની ચૂંટણીની ગોઠવાતી ચોપાટ : વર્તમાન સભ્યો એક નેજા હેઠળ જંગમાં સામેલ

ભુજ, તા. 30 : અગિયાર હજારથી વધુ સભાસદ ધરાવતી અત્રેની વેપારીઓની બેન્ક ભુજ કોમર્શીયલ કો ઓપરેટિવ બેન્કના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની આગામી તા. 17મીના યોજાનારી ચૂંટણી માટે અત્યાર સુધી 54 ઉમેદવારી પત્રક લેવામાં આવતા ચૂંટણી માટેનો ટેમ્પો જામવા લાગ્યો છે. ગત ચૂંટણીમાં સામેસામે લડેલા અને ચૂંટાયેલા વર્તમાન શાશકો એક પેનલના છત્ર નીચે આવી જતા એક તબક્કે હરીફપક્ષે પેનલ બનશે કે કેમ તેની ગણતરી મંડાવા લાગી હતી, પણ વર્તમાન શાશકો સિવાયના અમુક જૂના જોગીઓ દ્વારા પણ ફોર્મ ઉપાડાતાં નવા સમીકરણો સર્જાવા લાગ્યા છે. ભુજ કોમ. બેન્કની ચૂંટણી આગામી તા. 17મી જુલાઇ રવિવારના યોજાશે. ચૂંટણી માટેના ફોર્મ આપવાનું કાર્ય બે દિવસથી શરૂ કરાયું છે. આવતીકાલે ફોર્મ લેવાનું છેલ્લું દિવસ છે અને એ પછી બે દિવસમાં ફોર્મ ભરીને પરત આપવાનાં રહેશે. આ વચ્ચે આજે સાંજ સુધીમાં કુલ 54 ઉમેદવારીપત્ર બેન્કની ભુજ સ્થિત વડી કચેરીએથી લેવામાં આવ્યા છે. બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની કુલ 13 બેઠક છે. જે પૈકી એક અનુ.જાતિ માટે અને બે મહિલા માટે અનામત છે. દરમ્યાન ગત ચૂંટણીમાં લડેલા અને વિજેતા બનેલા વર્તમાન ડાયરેક્ટરો પૈકી તમામે એકમેક સાથે હાથ મિલાવી એક પેનલ બનાવી ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે. શરૂઆતી તબક્કે એક જૂના હોદ્દેદારને આ પેનલમાં સામેલ કરવાની મથામણ અંતે વિફળ થવા સાથે હરીફપક્ષે પેનલ બનશે કે કેમ તે સવાલ ઊભો થયો હતો, પણ 13 બેઠકની ચૂંટણી માટે જુદા-જુદા ત્રિસેક ઉમેદવારે ફોર્મ હસ્તગત કરતાં ચૂંટણીની ચોપાટ વિધિવત રીતે મંડાય તેવા એંધાણ મળી રહ્યા છે. વર્તમાન શાશકો સિવાયના ભૂતકાળમાં મહત્ત્વનો હોદ્દો ધરાવી ચૂકેલા ઉમેદવારોએ પણ ફોર્મ લેતાં નવા સમીકરણોનું નિર્માણ થયાનો અણસાર આવી રહ્યો છે.અલબત્ત ફોર્મ ખેંચાવાના અંતિમ દિવસ પછી કેટલા જણ મેદાનમાં ટકી રહે છે તેના ઉપર ચૂંટણીનું ભાવિ અવલંબિત બન્યું છે.  

© 2022 Saurashtra Trust