ભુજમાં સભ્ય સમાજની વચ્ચે `અસભ્ય'' પ્રવૃત્તિએ સભ્યતા સામે સર્જ્યા પ્રશ્નો

ભુજ, તા. 30 : શિક્ષિત અને સંસ્કારી લોકોના રહેણાક ઉપરાંત વ્યવસાયી સ્થળ ધરાવતા શહેરના હાર્દસમા વિસ્તારમાં સમાજ માટે અસ્વીકૃત અને હાનિકારક અનૈતિક પ્રવૃત્તિનો શરૂ થયેલો વ્યાપ વધી પડતાં આ મામલો ધીરે-ધીરે સભ્ય સમાજ માટે ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. સંબંધિત લોકોમાંથી ગણગણાટ સ્વરૂપે બહાર આવેલી વિગતો મુજબ શહેરમાં કોટ અંદરના નાગર ચકલા વિસ્તારમાં એક ખાસ અને ખાલી મકાનમાં એ.સી. અને પલંગ સહિતની જરૂરી વ્યવસ્થા ઊભી કરાયા બાદ આ સ્થળે થતી નિયમિત અવરજવરના કારણે સભ્ય સમાજના લોકોના ભવાં ખેંચાયાં છે. નિતનવા સ્ત્રી અને પુરુષ પાત્રોની રોજિંદી અવરજવરના અને સહજ રીતે સ્વીકારી ન શકાય તેવી આ પ્રવૃત્તિના કારણે રહેવાસીઓ અને વ્યવસાયીઓ શરમ અને સંકોચ સાથે મુશ્કેલી ભોગવી રહ્યા હોવાની ફરિયાદો ઊઠી છે.સમગ્ર બનાવમાં નોંધપાત્ર અને ગંભીર બાબત એ ઊભરી આવી છે કે, પ્રવૃત્તિને ઓથ આપવાની ભૂમિકા બાબતે ધાર્મિક સંસ્થા સાથે જોડાયેલા એક રાજકીય-સામાજિક આગેવાન સામે અંગુલિનિર્દેશ કરવામાં આવી રહ્યો છે. મકાનમાં આ આગેવાનનો પણ આવરોજાવરો રહેતો હોવાનું રહેવાસીઓ સંલગ્ન વતૃળોમાંથી જાણવા મળ્યું છે. દરમ્યાન વિસ્તારના એક બળૂકા અને પહેંચેલા-પામેલા સેવાભાવી આગેવાન દ્વારા પ્રવૃત્તિ બાબતે જવાબદારનો કાન આમળાતાં `જીબો બાપા' કરીને માર્ગ કાઢી લેવાયો હોવાનું કહેતાં વર્તુળો ઉમેરે છે કે, પોલીસ અને અન્ય સંબંધિત તંત્રો અને સત્તાધીશો મકાન કોનું ? અને કોણે રાખ્યું ? તેના સહિતની છાનબીન કરાવે તે આવશ્યક બન્યું છે.    

© 2022 Saurashtra Trust