અમરાપરમાં વિચિત્ર બનાવ : યુવાનને લૂંગી વીંટાળી દઇને મરાયો માર

ગાંધીધામ, તા. 30 : અંજાર તાલુકાના અમરાપર ગામે માતાજીના મંદિરે લાઇટની તપાસ કરવા ગયેલા યુવાનને લૂંગી વિંટાળી તેને માર મારતાં ત્રણ શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. અમરાપરમાં રહેનારા પાંચા ભીમા કેરાસિયા (આહીર)ને તેના ફઇના દિકરા આદિપુરના જીતેશ ભીમા આહીરનો ફોન આવ્યો હતો અને તમારા ગામમાં ચામુંડા માતાના મંદિરે લાઇટ છે કે નહીં તે જોઇ આવવા કહ્યું હતું. આ યુવાન પ્રથમ વખત ગયો ત્યારે  લાઇટ નહોતી, બાદમાં જીતેશે ફરીથી જોઇ આવવા કહેતાં આ ફરિયાદી અને તેની  માસીના દીકરો નવીન બંને મંદિરે ગયા હતા ત્યારે લાઇટ આવી જતાં ફરિયાદીએ  વીડિયો બનાવી જીતેશને મુક્યો હતો. થોડીવારમાં ત્યાં બે અજાણ્યા શખ્સોએ આવી તેમની ગાડી થોડે આગળ બંધ પડી ગઇ હોવાથી ટોચન કરવા કહ્યું હતું. આ બે  પૈકી એક અજાણ્યા શખ્સ ભેગો નવીન ત્યાં ગયો હતો, દરમ્યાન મંદિરમાં  રહેલા અન્ય અજાણ્યા શખ્સે ફરિયાદી પાંચા સાથે અસભ્ય વર્તન કર્યું હતું. આવું ન કરવા જણાવ્યા બાદ આ બંને વચ્ચે ઝપાઝપી થતાં આરોપીએ  ફરિયાદી ઉપર લૂંગી વિંટાળી તેને માર માર્યો હતો. થોડીવાર બાદ અન્ય અજાણ્યો શખ્સ પણ ત્યાં ગાડી લઇને આવી જતાં આ બંનેએ માર માર્યો હતો અને ગાડીમાં બેસાડવાનું કહેતા ફરિયાદી છટકીને નાસી છૂટયો હતો. ફરિયાદીના ફઇના દિકરા જીતેશ તથા અન્ય બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

© 2022 Saurashtra Trust