હરામી નાળાંમાંથી નવ પાકિસ્તાની બોટ ઝડપાઈ

ભુજ, તા. 23 : કચ્છમાં છાસવારે કેફી દ્રવ્યો તેમજ પાકિસ્તાની ઘૂસણખોરો ઘૂસી આવતા હોવાની ઘટનાઓ વચ્ચે આજે ફરી હરામી નાળાંમાંથી પાકિસ્તાની માછીમારીની નવ બોટ ઝડપી લેવાઈ હતી. સીમા સુરક્ષા દળના જવાનોને જોઈને પાકિસ્તાની ઘૂસણાખોરો ત્રણ બોટ મૂકીને સામે પાર નાસી છૂટયા હતા. ત્યારબાદ તલાશી અભિયાનમાં વધુ છ નૌકા મળી આવી હતી.સીમા સુરક્ષા દળના જવાનો આજે બપોરે પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે હરામી નાળાંમાં ભારતીય સીમાની અંદર પાકિસ્તાની નૌકા સાથે માછીમારની ચહેલ-પહેલ દેખાતાં દળના જવાનો તેમને ઝડપવા ત્યાં જઈ રહ્યા હતા ત્યારે પાકિસ્તાની ઘૂસણખોરોએ સૈનિકોને જોઈ જતાં ત્રણ બોટ ત્યાં જ મૂકી સામે પાર પાકિસ્તાનની સીમામાં નાસી છૂટયા હતા. જો કે, આ નાસી છૂટેલા પાકિસ્તાની ઘૂસણખોરોને ઝડપવા માટે બીએસએફએ તલાશી અભિયાન આદરતા વધુ છ બોટને ઝડપી લેવાઈ હતી. આમ તલાશી અભિયાનને વધુ સઘન બનાવાયું છે.ઝડપાયેલી આ પાકિસ્તાની ત્રણ બોટમાંથી માછલી તેમજ માછલી પકડવાની જાળ સહિતના સાધનો મળ્યા હતા. કોઈ જ શંકાસ્પદ સામગ્રી ન મળી હોવાનું ગુજરાત બીએસએફના જનસંપર્ક અધિકારીએ યાદીમાં જણાવ્યું હતું. જ્યારે બીજી તરફ રાત્રે મળેલા અહેવાલો મુજબ હરામીનાળા બાજુથી જ વધુ છ પાકિસ્તાની બોટ મળી આવતા આજે ઝડપાયેલી બોટનો કુલ આંક નવ થયો છે.