કાળાં ડિબાંગ વાદળોએ છૂટીછવાઈ ઝડી વરસાવી

કાળાં ડિબાંગ વાદળોએ છૂટીછવાઈ ઝડી વરસાવી
ભુજ, તા. 23 : અષાઢ પૂર્વે કચ્છમાં જામેલા માહોલે વરસાદની જગાવેલી અપેક્ષા વચ્ચે કયાંક કયાંક ઝરમરથી ઝાપટાંરૂપે મેઘો મહેરબાન થાય છે. આજે પણ છૂટાછવાયા વરસાદના સમાચારો સાંપડી રહ્યા છે. સમગ્ર જિલ્લાના વાદળછાયાં વાતાવરણથી તડકો ન હોવા છતાં ભારે ઉકળાટ સાથેના ગરમ પવનો દઝાડતા રહ્યા હતા. બફારાએ ત્રસ્ત કર્યા છે. મુંદરા તાલુકાના વાંકી અને નખત્રાણા તાલુકાના વિથોણમાં પવનના સુસવાટા-સપાટાએ વૃક્ષોની ડાળીઓ ભાંગી નાખી હતી.જિલ્લા કન્ટ્રોલ રૂમને પૂછતાં સાંજે આઠ વાગ્યા સુધી નખત્રાણામાં 26 મિ.મી., જ્યારે માંડવીમાં નવ મિ.મી. વસસાદ નોંધાયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. ભુજમાં બપોરે ઝાપટું વરસ્યું હતું. રસ્તા પરથી વહેલાં પાણીએ આસપાસમાં ખાબોચિયા સર્જ્યા હતા. પશ્ચિમ કચ્છના નખત્રાણા સહિત પંથકમમાં સાંજે 6.30 વાગ્યા પછી વા-ઝડી સાથે તોફાની ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ખેડૂતો સહિત આમ લોકો આનંદમાં ઝૂમી ઊઠયા છે. તો વાતાવરણમાં ઠંડક પ્રસરતાં ગરમી, બફારમાં લોકોને રાહત મળી છે. ગઈકાલે તાલુકાના રવાપર, આમારા, ઐયરમાં ઝાપટાં વરસ્યાં બાદ આજે તાલુકામાં મેઘરાજાની શુકનવંતી પધરામણી થઈ હતી. ઉત્તર-પૂર્વથી કાળાં ડિબાંગ વાદળો  - કામાય પવન સાથે ઝડી વરસી હતી. તાલુકાના બેરુ, રામપર રોહા, મોસુણા, ફોટ મહાદેવ તેમજ પિયોણી વિસ્તારમાં વરસાદના વાવડ છે. વ્યાર, જાડાયમાં પણ વરસાદ શરૂ થયો હોવાનું પિયોણી મંદિરના મહંત હંસગિરિજીએ જણાવ્યું હતું. જોડિયા ગામ નાગલપર, નાના અંગિયા, મોટા અંગિયા, ધાવડામાં હેત વરસ્યું હતું. કોટડા જ., મથલ વિસ્તારમાં છાંટા પડયા હતા.નખત્રાણામાં અંદાજે એક ઈંચ જેટલો વરસાદ પડયો હતો. આ પંથકમાં ધોધમાર વરસાદના કારણે નગરમાં જોશભેર પાણી વહ્યાં હતાં. પોણાથી એકાદ કલાક સુધી ચાલેલા ભારે પવન સાથેના વરસાદથી બસ સ્ટેશન પાસે હોર્ડિંગ્સ ઊડી ગયા હતા. તો બસ સ્ટેશન પાસેના છેલો પણ ધીમી ધારે વહ્યો હતો. કેસર કેરીના રહ્યા સહ્યા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.બીજા દિવસે મોટી વિરાણી, રામેશ્વર, સુખપર, નાની વિરાણી, વાંઢ, દેવીસર, દેવસર, ચાવડકા, ઓલટ, રતામિયા, હીરાપર, ભારાપર સહિતના ગામોમાં ઝાપટાંથી પાણી વહી નીકળ્યાં હતાં. અગાઉના મૃગશીર્ષ નક્ષત્રમાં જ્યાં વરસાદ વરસ્યો હતો ત્યાં ફરી બે દિવસ ઝાપટાં પડતાં કપાસ, મગફળી જેવા ખરીફ પાકોને ફાયદાકારક થશે. સીમાડામાં ફૂટી નીકળેલા ઘાસની વૃદ્ધિ થશે. વિથોણ પંથકમાં પાંચ વાગ્યાથી ગાજવીજ અને પવન સાથે કયાંક છાંટા પડયા હતા. વૃક્ષ ઉપરથી ડાળીઓ તૂટી ગઈ હતી કયાંક છાપરાં ઉડયાં હતાં, પરંતુ કોઈ જાનહાનિ કે નુકસાનના સમાચાર નથી. માંડવી  : આ બંદરીય શહેરમાં મોસમમાં મંગલાચરણ રૂપે 9 મિ.મી. જેટલું પાણી વરસાવતાં નગરજનોએ ઓવારણા લીધા હતા. બપોર બાદ બે વાર હળવો છંટકાવ કરી વિરામ લીધો હતો. કંસારા બજાર, આઝાદ ચોક જેવા નીચાણ વિસ્તારમાં વહેણ વહ્યાં હતાં. મુંદરા  તાલુકાના વાંકી ગામે બપોરે ઝાપટાં પડયાં હોવાનું પ્રતિનિધિ સામજીભાઈ ડુડિયાએ જણાવ્યું હતું કે 1998ના વાવાઝોડાંની યાદ આવી હતી. ભારે પવનનાં કારણે ઠેર-ઠેર ઝાડની ડાળીઓ જમીનદોસ્ત થઈ ગઈ હતી. એક ઝાડ વીજથાંભલા પર પડતાં લાઈટના વાયર તૂટી પડતાં અંધારું થઈ ગયું હતું. પત્રીમાં પણ વરસાદ હોવાના વાવડ મળી રહ્યા છે. જો કે, મુંદરામાં છાંટો પડયો નથી ને વીજળી આવ-જા ચાલુ છે. ભચાઉ તાલુકાના આધોઈના સરપંચ રાજાભાઈ મણોદરાએ કહ્યું કે, આધોઈ સબ સ્ટેશન 66 કેવીમાં 13 ફીડર ગામ સિવાયના આવે છે. એક ઔદ્યોગિક ફીડર પણ આવે છે. આધોઈમાં પવનનાં કારણે વીજરેષા પર પચાસેક વૃક્ષોની ડાળીઓ પડી જતાં વીજ કચેરીની ટીમ સાથે 50-60 યુવાનો લોડર સાથે વીજ કર્મીઓની સૂચના મુજબ કામે લાગ્યા હતા અને ડાળીઓ દૂર કરી રાત્રે જ વીજપુરવઠો શરૂ કરાયો હતો. અન્ય 13 ફીડર પર બપોર સુધી કાક પૂરું થયું. આમ ફરિયાદ કરવાના બદલે ગામલોકો મધરાત સુધી સહયોગી બની સુવિધા શરૂ કરાવવા મદદરૂપ બન્યા હતા.રાપર પાસેના ડાભુંડા ગામમાં સાંજે છાંટા પડતાં પાણી વહી નીકળ્યાં હતાં.અંજાર શહેરમાં જોરદાર વરસાદી ઝાપટાંના લીધે રસ્તાઓ પર પાણી વહી નીકળ્યાં હતાં. સવારથી અંજાર વિસ્તારમાં વાતાવરણ વાદળછાયું બન્યું હતું. બપોરે હવામાનમાં પલટો આવતાં જોરદાર ઝાપટું પડયું હતું, પરંતુ ગાજ્યા મેઘ વરસ્યા નહીં. અંજાર તાલુકાના સતાપર, ભીમાસર તેમજ ધમડકા સહિતનાં ગામોમાં પણ વરસાદનું જોરદાર ઝાપટું પડયું હતું. સતાપરમાં પવનથી ઝાડ ધરાશાયી થયું હતું. કોઠારામાં અડધો ઇંચ અબડાસા તાલુકાના કોઠારામાં ઝાપટાંથી અડધો ઇંચ જેટલો વરસાદ પડતાં માર્ગો પર પાણી વહ્યાં હતાં. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer