ઓરડાની ઘટથી ત્રસ્ત ખડીરનાં રતનપરના વાલીઓએ એક પણ બાળકને શાળામાં પ્રવેશ ન અપાવ્યો

ઓરડાની ઘટથી ત્રસ્ત ખડીરનાં રતનપરના વાલીઓએ એક પણ બાળકને શાળામાં પ્રવેશ ન અપાવ્યો
રાપર, તા. 23 : આજથી ત્રણ દિવસ સુધી રાજયભરની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1માં પ્રવેશ આપવા માટે ત્રણ દિવસથી પ્રવેશોત્સવ શરૂ કરવામાં આવ્યો છે. છેવાડાના રાપર તાલુકામાં પણ બાળકોને પ્રવેશ અપાયો હતો.પરંતુ સરહદી ખડીર પંથકના રતનપર ગામની શાળામાં  માત્ર એક જ રૂમમાં સેંકડો વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે અને વધારાના ઓરડા બનાવાતા જ નથી. આ સમસ્યા સામે ગામના વાલીઓએ આજે નવા સત્રમાં એક પણ વિદ્યાર્થીઓને ધોરણ 1માં પ્રવેશ ન અપાવી પ્રવેશોત્સવનો વિરોધ કર્યો હતો. રતનપરની શાળામાં ઓરડાની ઘટના કારણે વાલીઓએ જયાં સુધી ઓરડા મંજુર ન થાય ત્યાં સુધી એક પણ બાળકોને શાળાએ ન મોકલવા નિર્ણય લેવાયો હતો.જેથી ગત તા.13થી શરૂ થયેલા નવા શૈક્ષણિક સત્રના આરંભથી જ પ્રાથમિક શાળા બંધ જ છે. 10 દિવસથી શાળા બંધ હોવા છતાય શિક્ષણ વિભાગના જવાબદારો દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા વાલીઓમાં આક્રોશ ભભુકી ઉઠયો હતો અને આજે એક પણ વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ ન અપાવી શાળા  પ્રવેશોત્સવનો બહીષ્કાર કરી આરડાની ઘટ મુદે  વિરોધ પ્રદર્શિત કરાયો હતો. હાલ શાળાના ધોરણ 1 થી 8ના 135 વિદ્યાર્થીઓને માત્ર એક જ રૂમમાં બેસાડીને અભ્યાસ કરાવવામાં આવે છે જે કોઈ પણ રીતે શકય ન હોવાનું ખુદ શિક્ષણ તંત્રના અધિકારીઓ સ્વિકારી રહ્યા છે. પરંતુ ઓરડા બનાવવાની દિશામાં કોઈ કામગીરી થતી ન હોવાનું ગ્રામજનોએ આક્રોશ સાથે જણાવ્યું હતું. જો આગામી સમયમાં શાળામાં વધુ 6 ઓરડાઓ બનાવવામાં નહી આવે તો આગામી સમયમાં ભચાઉ  પ્રાંત અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીને ઘેરાવ કરાશે અને તાત્કાલીક અસરથી ઓરડા મંજુર કરવામાં નહી આવે ત્યાં સુધી શિક્ષણ બંધનો નિર્ણય લેવાયો હતો. વિશ્વ ધરોહર ધોળાવીરાની નજીકના ગામમાં એક જ ઓરડામાં શિક્ષણ મેળવામાં વિદ્યાર્થીઓને પડતી અગવડતા મામલે હવે વાલીઓએ છેક સુધી લડી લેવાનો અને જલદ કાર્યક્રમ આપવા નિર્ણય લેવાયો છે. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer