સૌએ સાથે મળીને કચ્છ માટે ઘણું કરવાનું છે : ગૌતમભાઈ

અમદાવાદ, તા. 23 : કચ્છના મુંદરાને પોતાની કર્મભૂમિ બનાવી દેશ અને દુનિયાના ઉદ્યોગ જગતમાં ભારતનો ડંકો વગાડનારા ગૌતમ અદાણીએ પોતાની ષષ્ઠિપૂર્તિની ઉજવણીઅદાણી વિદ્યામંદિરનાં બાળકોની વચ્ચે કરી હતી. મુંદરાના ભદ્રેશ્વર ખાતેની અદાણી વિદ્યામંદિરમાં સહપરિવાર સમય ગાળ્યો હતો. 1992ના વર્ષમાં યુવાન વયે વેપાર-વાણિજ્યના વિકાસની શક્યતાઓ તપાસવા સૌ પ્રથમવાર મુંદરાની મુલાકાતે આવેલા ગૌતમ અદાણીએ પાછલા 30 વર્ષમાં મુંદરા પોર્ટની કાયાપલટ કરીને પોર્ટને એશિયાનું આધુનિક બંદર બનાવ્યું છે.તેની સાથોસાથ મુંદરા નજીકના ગામોમાં બાળકોને શિક્ષણ અને આરોગ્યની સેવાઓ ઉપલબ્ધ કરાવી શકાય તેમજ મહિલાઓને ઘરે બેઠા સ્વરોજગારીનું માધ્યમ બને તેવી તાલીમ મળે તેને પણ પ્રવૃત્તિનો એક ભાગ બનાવવાની નેમ રાખી હતી.ખાસ કરીને શિક્ષણ કોઇ પણનાં જીવનમાં પરિવર્તન લાવી શકે છે, તેવું માનતા ગૌતમ અદાણીએ એકછત્ર હેઠળ સમાજ ઉત્થાનની પ્રવૃત્તિઓ હાથ ધરવા અદાણી ફાઉન્ડેશનની રચના કરી હતી. છઠ્ઠા ધોરણની વિદ્યાર્થીની માલતીએ ગૌતમભાઇનો હાથ પકડીને વિદ્યાદેવી સરસ્વતીનું સ્તુતિગાન માટે મંચ પર લઇ ગઇ હતી. કસબીઓએ તૈયાર કરેલું ગૌતમભાઇનું રેખાચિત્ર ભેટ આપ્યું હતું. ફાઉન્ડેશનની સમાજોપયોગી પ્રવૃત્તિઓ જોવા પહોંચેલા ગૌતમ અદાણીએ મુંદરાના મંગરા ગામના પ્રાકૃતિક ખેતીના શ્રીગણેશ કરનારા ખેડૂતો સાથે માત્ર વાતચીત જ નહીં પણ તેમની ઉપજનો સ્વાદ પણ માણ્યો હતો, ખેડૂતોએ `કચ્છી ગાડું' સ્મૃતિ ભેટ તરીકે આપ્યું હતું. ગૌતમ અદાણીએ ખારેક પકવતાં ખેડૂતોના સમૂહ સાથે ગોષ્ઠિ કરી ખારેકના ઉત્પાદન અને બજાર સંબંધી સૂચનો પણ કર્યા હતા. જન્મ દિવસની ઉજવણી એક સંભારણું બનીને સચવાશે એવી લાગણી અહીં હાજર માલજીભાઇ-ખેડૂતમિત્રએ વ્યક્ત કરી હતી. અદાણી ફાઉન્ડેશને હાથ ધરેલા જળ સંરક્ષણ અને જળ સંવર્ધનનાં કામોની વિગતો લાભાર્થી ખેડૂતો પાસેથી સાંભળીને ગૌતમભાઈએ કહ્યું હતું કે, `આપણે બધાએ કચ્છ માટે ઘણું કરવાનું છે. આપણી ભાવિ પેઢી માટે સત્કાર્યોનું ભાથું તૈયાર કરવાનું છે.' પોતાની વ્યસ્તતામાંથી સમય કાઢીને મુંદરામાં પોતાનો સમય લાભાર્થીઓ વચ્ચે ગાળીને એક વારસાગત સંસ્કારોનો પરિચય કરાવ્યો છે એમ મુંદરાના નિવૃત્ત બેંક કર્મચારી જગદીશભાઇ વોરાએ જણાવ્યું હતું.