કચ્છના ક્રિકેટરોને આગળ વધવા તક, પણ...

ગાંધીધામ, તા. 23 : ભારતના આંતરરાષ્ટ્રીય ક્રિકેટર દિનેશ મોંગિયાએ પ્રથમ જ વખત ગાંધીધામના આંગણે દસ દિવસનો કોચિંગ કેમ્પ યોજીને કચ્છના ક્રિકેટરોને તાલીમ આપી હતી. આ કેમ્પની પૂર્ણાહુતિ વેળા પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે, કચ્છમાં ઉત્તમ સગવડો છે અને અહીંના ક્રિકેટરોને આગળ વધવાની ઘણી તક છે, પરંતુ તેમને જરૂર છે. નિયમિત તાલીમની. દિલ્હી પબ્લિક સ્કૂલના પરિસરમાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે નિયમિત તાલીમથી કચ્છના ખેલાડીઓને પ્રોત્સાહિત કરાય તો ચોક્કસપણે સારા ખેલાડીઓ બહાર આવે, કચ્છ ડિસ્ટ્રીક્ટ રૂરલ ક્રિકેટ એસો. દ્વારા થતા પ્રયાસ અને સંસ્થાના આગેવાનો તેમજ ખેલાડીઓની શ્રી મોંગિયાએ પ્રશંસા કરી હતી. કે.ડી.આર.સી.એ. દ્વારા ડીપીએસના સહયોગથી આ દસ દિવસીય તાલીમ શિબિર યોજાયો હતો. પત્રકારોના પ્રશ્નના જવાબમાં દિનેશ મોંગિયાએ જણાવ્યું હતું કે શહેરી કરતાં ગ્રામ્ય વિસ્તારના ખેલાડીઓમાં કંઈક કરી બતાવવાની તમન્ના અને ભૂખ હોય છે. તેઓ વધુ સારી તકની શોધમાં હોય છે. ગાંધીધામમાં આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધા ઉપલબ્ધ છે. આવી સુવિધા ભારતના અન્ય વિસ્તારોમાં બહુ ઓછી છે, જેથી કચ્છના ખેલાડીઓ માટે આ સારી તક છે. તેમને નિયમિત તાલીમ અને માર્ગદર્શનની જ જરૂર છે. એવું તેમણે ઉમેર્યું હતું. કેડીઆરસીએના પ્રમુખ શેખરભાઈ અયાચીએ કહ્યું હતું કે સારા સમાજના ઘડતર માટે રમતગમત ખૂબ જરૂરી છે. કચ્છમાંથી સારા ખેલાડીઓ બહાર આવે તેવા અમારા હંમેશાં પ્રયાસ હોય છે. આથી જરૂરી માળખાંકીય સુવિધા, તાલીમ સહિતની વ્યવસ્થા કરાઈ છે. ગ્રામ્ય અને શહેરી ખેલાડીઓ તેનો લાભ લે તે જરૂરી છે. આ માટે કચ્છની શાળાઓના રમત-ગમત શિક્ષકોને બોલાવીને તાજેતરમાં જ તેમણે ખેલાડીઓને પ્રેરિત કરવા અનુરોધ કર્યો છે. કચ્છની ક્રિકેટ માટે અત્યારે વાતાવરણ સારું છે કે સૌરાષ્ટ્રની ટીમમાં અત્યારે કચ્છના સાત ખેલાડી રમી રહ્યા છે. કચ્છની ટીમ પણ ચેમ્પિયન બને છે અથવા ફાઈનલ રમે છે. તેથી કચ્છની ક્રિકેટ તથા ખેલાડીઓની પ્રતિભા ઝળકી છે. આ પત્રકાર પરિષદને સંસ્થાના ઉપપ્રમુખ સંજયભાઈ ગાંધી, શરદભાઈ શેટ્ટી વગેરેએ પણ સંબોધી હતી. દિનેશ મોગિંયાના કોચિંગ કેમ્પમાં 60 ખેલાડીઓએ કોચિંગ મેળવ્યું હતું.