વિશ્વ સંગીત દિનની કચ્છીયત સભર ઉજવણી

ભુજ, તા. 23 : વિશ્વ સંગીત દિવસ તેમજ કાંતિસેન શ્રોફ કાકા જન્મ શતાબ્દી વર્ષની ઉજવણી ભાગરૂપે ધાણેટી ગામના તુલસી ચોકમાં પરંપરાગત સંગીત રેયાણ યોજવામાં આવી હતી. આમા બન્ની, પચ્છમ, ખડીર, વાગડ, ઢેબર, પાવરપટ્ટી અને આહીર પટીના લોકકલાકારોએ એક મંચથી પોતાની આગવી વિવિધ સંગીત શૈલીઓ રજૂ કરીને વિશ્વ સંગીત દિવસની સાચા અર્થમાં ઉજવણી થઈ હતી. રેયાણની શરૂઆત દેશી ભજનિક કલાકાર કૈલાશપુરી બાપુ (જેસડાવાળા)એ ગણપતિ વંદના કબીરની રચનાથી કરી હતી. જવાને અમરાપર ખડીરના દેવીબેન આહીરે રૂપા માલદેવની રચના અને કબીરની હેલીઓ રજૂ કરી હતી. સ્થાનિક કલાકારોમાં અનિરુદ્ધભાઈ આહીરે રામદેવપીરનું ભજન અને તેમનું ખાસ લોકગીત જીવણ જી... રજૂ કર્યું હતું અને આ ગીત પર બહેનોએ રાસની રમઝટ જમાવી હતી. દેવજી બાલાસરા (રૂડાભાઈ પટેલ)એ ચાંદો ઉગ્યો ચોકમાં તો દેવજી હધુ ડાંગરે મુંજા ભૂતનાથ દાદા આંઉ તોકે સંભાર્યા રચના રજૂ કરી હતી. કાનજી ઢીલા, શંકર રબારી અને કાનજી વેલા છાંગા, નરસી આહીરે ભજનો અને લોકગીત રજૂ કર્યા હતા. વાદ્ય સંગીતમાં હોડકાના સંતાર પર નારાણ રાણા, જોડીયા પાવા પર નિરોણાના કમલેશ નારાણ, ચંગ પર ભુજના આદમ ફકીર, હાર્મોનિયમ પર ધાણેટી ગામના રામજીભાઈ છાંગા, બેન્જો પર ગાગોદરના વિનોદગર ગોસ્વામી, ઢોલક પર અંજારના આદમ લંગા તેમજ તબલા પર શંકર બારોટ અને ગડા ગંબેલા પર કુરન ગામના કરશન ફફલે સંગત કરી હતી. આ કાર્યક્રમમાં લાલભાઈ રાંભિયા, સૃજનથી નેહલભાઈ અને પ્રત્યંચભાઈ અંજારિયા, ઓશો ભુજથી અતુલ સ્વામીજી, હસ્તકળાના કારીગર સરિયાબેન આહીર, પૂર્વ સરપંચ વાલજીભાઈ આહીર, માવજીભાઈ આહીર, બાબુભાઈ આહીર, માવજીભાઈ ડાંગર, કવિ માવજી એમ. આહીર (ડગાળા) તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કલાવારસોના ભારમલ સંજોટ, માવજીભાઈ આહીરે તથા સ્થાનિક સહયોગ કલાકાર અનિરુદ્ધભાઈ આહીર સહયોગી બન્યા હતા. સંચાલન સાહિત્યકાર મોહન આહીર (ખડીરવાળા)એ કર્યું હતું.