દિલ્હી ખાતે મૂળ ભુજનાં નૃત્યાંગનાની આગેવાનીમાં થયેલી રજૂઆતે દાદ મેળવી

ભુજ, તા. 23 : ટોર્ચ રિલે 44મા ચેસ ઓલિમ્પિયાડ કાર્યક્રમમાં રાજકોટની નૃત્ય સંસ્થા સ્તુતિ ઈન્સ્ટિટયુટ ઓફ પરફોર્મિંગ આર્ટસની નૃત્યાંગનાઓએ મૂળ ભુજના હાલે રાજકોટ સ્થિત ભરતનાટયમના જાણીતા નૃત્યાંગનાની આગેવાનીમાં કરેલી રજૂઆતે ઉપસ્થિતોની દાદ મેળવી હતી. તાજેતરમાં દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને પાંચ વખત ચેસમાં વિશ્વ વિજેતા થયેલા વિશ્વનાથ આનંદની ઉપસ્થિતિમાં ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલા ટોર્ચ રિલે-44મા ચેસ ઓલિમ્પિયાડ ઉદ્ઘાટન કાર્યક્રમમાં રાજ્યના ગૌરવ પુરસ્કૃત અને રાજકોટના જાણીતા ભરતનાટયમ નૃત્યાંગના અને મૂળે ભુજના મીરા નિગમ ઉપાધ્યાયની આગેવાનીમાં તેમની નૃત્ય સંસ્થા સ્તુતિ ઇન્સ્ટિટયૂટ ઓફ પરફોર્મિંગ આર્ટસની નૃત્યાંગનાઓએ નૃત્ય રજૂ કર્યું હતું.આ કાર્યક્રમમાં અંકુરભાઇ પઠાણની આગેવાની હેઠળ સમગ્ર ભારતના 250 જેટલા કલાકારોએ ભાગ લીધો હતો જેમાં મીરા નિગમની શિષ્યા શ્રદ્ધા અધ્યારુએ ઐતિહાસિક ટોર્ચને આંતરરાષ્ટ્રીય ચેસ ફેડરેશનના પ્રમુખ આર્કેડી દ્વોર્કોવીચને સુપરત કરી હતી જે ગુજરાત માટે ગૌરવની ક્ષણ બની હતી.કાર્યક્રમમાં સ્તુતિ ઇન્સ્ટિટયૂટની નૃત્યાંગનાઓ મહેક માંકડ, અદિતિ મંકોડી, શ્રિલક્ષ્મી કારાઇ, પાયલ દોશી, ડેઝી સાવલિયા અને ભૈરવી રાવલે ભાગ લીધો હતો.