જિલ્લા પંચાયતમાં સાગમટે બદલીઓનો ગંજીપો ચીપાયો
ભુજ, તા. 23 : પંચાયત સચિવના ગત તા. 17મી જૂનના ત્રણ વર્ષથી વધુ સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા કર્મચારીઓની બદલી કરવાના પરિપત્ર બાદ આજે જિલ્લા પંચાયત હસ્તકની વિવિધ શાખાઓમાં લાંબા સમયથી એકજ જગ્યા પર ચીપકીને બેઠેલા 38 જેટલા કર્મચારીઓની સાગમટે બદલીના હુકમો છૂટતાં આવા કર્મચારી વર્ગમાં ફફડાટ ફેલાયો છે.જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા દ્વારા ગુરુવારે બહાર પડાયેલા બદલીના હુકમો મુજબ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં ફરજ બજાવતા વર્ગ 3ના કર્મચારીઓની જિલ્લા પંચાયતમાં તેમજ વિવિધ તાલુકા પંચાયતોમાં આંતરિક બદલીઓ કરવામાં આવી છે, તો બીજી તરફ જિલ્લા પંચાયતની હિસાબી શાખામાં ફરજ બજાવતા જુનિયરોને સિનિયર તથા સિનિયરોને હિસાબનીશ તરીકે બઢતી અપાઈ છે તો સાથે સાથે કેટલાક કર્મચારીઓને જૂનિયર કલાર્ક તરીકે વધારાની કામગીરી પણ કરવાની ફરજ પડાતાં કચવાટ ફેલાયો છે. અને કર્મચારીઘટના કારણે આવી વધારાની કામગીરી બજાવવી પડશે તેવો કર્મચારી વર્ગમાંથી હતાશાભર્યો સૂર ઊઠી રહ્યો છેસૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ મુંદરા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સિંચાઈ શાખા, ખેતીવાડી શાખા અને શિક્ષણ સહિતના ચાર જૂનિયર કલાર્ક (વહીવટ)ની બદલી તેમજ બાંધકામ, શિક્ષણ, હિસાબી, રાપર તાલુકા પંચાયત અને મુંદરા તાલુકા પંચાયતના સિનિયર પાંચ એકાઉન્ટ કલાર્કની બદલી, જૂનિયર કલાર્કમાંથી સિનિયર કલાર્ક તરીકે 16 કર્મચારીને બઢતી અપાઈ છે તો સિનિયર કલાર્ક (વહીવટ)ના નવ કર્મચારીની વહીવટી કારણોસર બદલી કરાઈ છે.બીજી તરફ જિલ્લા પંચાયતની હિસાબી શાખામાં ફરજ બજાવતા જૂનિયર કલાર્ક (હિસાબી)ના સાત જેટલા કર્મચારીને સિનિયર કલાર્ક તરીકે તેમજ સિનિયર કલાર્ક હતા તેમને નાયબ હિસાબનીશ તરીકે બઢતી આપવામાં આવી છે.સૂત્રોના જણાવ્યા અનુસાર કેટલીક શાખાઓમાં અમુક કર્મચારીઓ અધિકારીઓ-પદાધિકારીઓના `માનીતા' તો કેટલીક જગ્યાઓ `કમાઉ' હોવાથી ચીપકીને બેઠા હતા જેના પર બદલીરૂપી `ઘાત' પડતાં કમને બઢતીઓ સ્વીકારી પડી હોવાનો ગણગણાટ સંકુલમાંથી સાંભળવા મળી રહ્યો છે.દરમ્યાન હજુ પણ નાયબ ચીટનીશ તેમજ ખેતીવાડી, બાંધકામ, આરોગ્ય, આઈસીડીએસ, સિંચાઈ સહિતના ટેકનિકલ સ્ટાફની બદલીઓ તોળાઈ રહી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.બીજીતરફ આ અગાઉ બદલીમાં થઈ રહેલા વિલંબ બાબતે જિલ્લા વિકાસ અધિકારીનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, માત્ર 40 ટકા સ્ટાફ વચ્ચે કોને ક્યા મૂકવા તેની અસમંજસ હોવાથી પ્રક્રિયા ચાલી રહી છે.