અભ્યાસ મેચમાં ટોચના બેટધરો જામ્યા નહીં
લિસેસ્ટર, તા. 23 : ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ પહેલાં ભારતીય ટીમ લિસેસ્ટરશાયર સામે અભ્યાસ મેચ રમવા ઉતરી છે. આ મુકાબલામાં ભારતીય ટીમનો ટોપ ઓર્ડર નિષ્ફળ થયો હતો. કોહલી પણ પોતાની ઈનિંગ્સમાં ખાસ યોગદાન આપી શક્યો નહોતો અને 33 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ભારતે પ્રથમ દિવસે આઠ વિકેટે 246 રન કર્યા હતા. ટીમ ઈન્ડિયા ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરી હતી. ભારતીય ટીમની શરૂઆત સારી રહી હતી અને રોહિત શર્મા અને શુભમન ગીલે 9.2 ઓવરમાં 35 રન કર્યા હતા. જો કે રોહિત 25 અને ગિલ 21 રન બનાવીને આઉટ થયા હતા. ત્યારબાદ હનુમા વિહારી 3, શ્રેયસ અય્યર 0 અને રવીન્દ્ર જાડેજા 13 રને આઉટ થતા ભારતનો સ્કોર પાંચ વિકેટે 81 રન થયો હતો. પાંચ વિકેટ પડયા બાદ કોહલી અને કેએસ ભરત વચ્ચે 57 રનની ભાગીદારી થઈ હતી. કોહલીએ 69 બોલમાં 33 રન કર્યા હતા. કોહલી આઉટ થયા બાદ શાર્દુલ ઠાકુર પણ 6 રને આઉટ થયો હતો. આ મેચમાં રોમન વોકરે પાંચ વિકેટ પોતાના નામે કરી હતી. ભરતે તક ઝડપીને 70 રન (દાવમાં) કર્યા હતા. તેને ઉમેશ (23) અને શમી (18 રને દાવમાં)નો સાથ મળ્યો હતો.