ખેલાડીનું બેટ અને પ્રદર્શન બોલવું જોઈએ : કોહલી મુદ્દે કપિલ
નવી દિલ્હી, તા. 23 : ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી માટે છેલ્લાં બે વર્ષ ખાસ રહ્યા નથી. કોહલીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી કર્યાને ઘણો સમય વિતી ચૂક્યો છે. આઇપીએલ 2022માં પણ કોહલી રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો. ત્રણ વખત તો પહેલા જ બોલમાં આઉટ થયો હતો. હવે ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન કપિલ દેવે કોહલીને લઈને નિવેદન આપ્યું છે. કપિલ દેવે કહ્યું છે કે કોહલી જેવો ખેલાડી લાંબા સમય સુધી સદી વિના રહેતા દુ:ખ થાય છે અને આ સ્થિતિ ભારતીય ક્રિકેટ અને કોહલીના પ્રશંસકો માટે ચિંતાનું કારણ બની રહી છે. અંતિમ વખતે 2019મા કોહલીએ સદી ફટકારી હતી. કપિલ દેવે કહ્યું હતું કે, કોહલી જેટલું ક્રિકેટ પોતે ક્યારેય રમ્યું નથી. ઘણી વખત પર્યાપ્ત પ્રમાણમાં ક્રિકેટ રમતા સમયે ઘણી વસ્તુઓને સમજવાની કોશિશ કરી શકાય છે. જો પોતે રન નહીં બનાવે તો લોકોને લાગશે કે કોઈ ગડબડ છે. લોકો માત્ર પ્રદર્શનને ધ્યાને રાખે છે અને પ્રદર્શન યોગ્ય નથી તો લોકો પાસે ચૂપ રહેવાની આશા રાખી શકાય નહીં. ખેલાડીનું બેટ અને પ્રદર્શન હંમેશાં બોલવું જોઈએ. કોહલી આપણા માટે નાયક જેવો છે. કોઈએ વિચાર્યું નહોતું કે એવો ખેલાડી ભારતને મળશે જેની તુલના દ્રવિડ, તેંડુલકર જેવા ખેલાડીઓ સાથે કરવામાં આવશે. જો કે તે છેલ્લાં બે વર્ષની સદી કરી શક્યો ન હોવાથી ચિંતા થઈ રહી છે.