શિંદેનું શક્તિ પ્રદર્શન : ઉદ્ધવ ઘૂંટણિયે

નવી દિલ્હી, તા. 23 : ગુવાહાટીમાં પોતાનાં સમર્થક વિધાયકો સાથે ધામા નાખનાર શિવસેનાના બંડખોર નેતા એકનાથ શિંદેએ આજે વીડિયો જારી કરીને શક્તિ પ્રદર્શન કર્યું હતું અને તેમની સાથે 42 ધારાસભ્ય હોવાથી ઉદ્ધવ ઠાકરે પાસે નતમસ્તક થવા સિવાય કોઈ છૂટકો દેખાતો નથી. હવે પક્ષાંતરનો કાયદો પણ લાગુ ન થાય તેટલું સંખ્યાબળ હોવાના લીધે એકનાથ શિંદેનાં બન્ને હાથમાં લાડુ જેવી સ્થિતિ છે. એકબાજુ શિવસેનાએ મહાવિકાસ અઘાડી ગઠબંધન છોડવા સુધીની તૈયારી દેખાડી દીધી છે, તો બીજીબાજુ ભાજપ તરફથી પણ તેમને લલચામણી ઓફરો થઈ હોવાનું કહેવાય છે. દરમિયાન મહારાષ્ટ્ર વિધાનસભાનાં ડેપ્યુટી સ્પીકર તરફથી કહેવામાં આવ્યું હતું કે, શિંદેના વિધાયકો તરફથી જો કોઈ સમર્થનપત્ર પાઠવવામાં આવશે તો તેનું શક્તિ પરીક્ષણ કરવામાં આવશે. આજે દિવસભરના હાઇવોલ્ટેજ ડ્રામા વચ્ચે શિવસેનાએ બોલાવેલી બેઠકમાં હાજર નહીં રહેલા બંડખોર ધારાસભ્યો સામે કાર્યવાહીની માંગ કરી છે, તો શરદ પવારે એકનાથ શિંદે પર પ્રહારો કરતાં કહ્યું હતું કે, અઢી વર્ષ સુધી કેમ હિન્દુત્વ યાદ આવ્યું નહીં. બંડખોરોએ કિંમત ચૂકવવી પડશે. અમે સરકાર બચાવવા પ્રયાસ કરશું.આજે સવારે શિવસેનાના વધુ ત્રણ ધારાસભ્ય બાગી વિધાયકો પાસે આસામ પહોંચી ગયા હતા. બુધવાર સુધી શિંદે પાસે શિવસેનાના 37 વિધાયકો હતા અને હવે આજે એક અપક્ષ સાથે શિવસેનાના વધુ 3 ધારાસભ્ય પણ તેમના જૂથમાં જોડાઈ જતાં હવે સંખ્યાબળ 49 થઈ ગયું હોવાનું કહેવાય છે. જો કે કુલ મળીને કેટલા અપક્ષ ધારાસભ્યો શિંદેના હાથમાં છે તે હજી સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી.શિંદેએ આજે વીડિયો દ્વારા શક્તિ પ્રદર્શન કર્યા બાદ અને તેમને મનાવવાના તમામ પ્રયાસો વિફળ જતાં દેખાતા શિવસેના તરફથી હથિયાર હેઠાં મૂકી દેવામાં આવ્યાં હતાં. પક્ષના સાંસદ સંજય રાઉતે પક્ષમાં બગાવત વિશે કહ્યું હતું કે, શિવસેના મહાવિકાસ અઘાડી સરકારમાંથી અળગી થઈ જશે પણ પહેલા વિધાયકો મુંબઈ તો આવી જાય. આ લોકોમાં હિંમત નથી. તેમણે આમનેસામને ચર્ચા કરવી જોઈએ. આ ઉપરાંત રાઉતે દાવો કર્યો હતો કે, શિંદેના જૂથમાંથી 21 ધારાસભ્ય તેમના સંપર્કમાં છે અને તેમનું અપહરણ થયું છે.જો કે, મહાવિકાસ અઘાડી સરકારમાંથી નીકળી જવાની તેમની તૈયારી સાથે જ એનસીપી અને કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો હતો. કોંગ્રેસે તાબડતોબ સાંજે પોતાના વિધાયકોની એક બેઠક યોજી હતી. બીજીતરફ મીડિયા અહેવાલોના દાવા મુજબ ભાજપે શિંદેને મંત્રીમંડળમાં આઠ કેબિનેટ રેન્ક, પાંચ રાજ્યમંત્રી રેન્ક અને કેન્દ્રમાં બે મંત્રીની ઓફર આપી છે.સામે પક્ષે શિંદેએ ફરી એકવાર ઉદ્ધવ સામે ખુલ્લો પડકાર ફેંક્યો હતો. બાગીજૂથના વિધાયકોનો એક પત્ર જારી કરીને શિંદેએ નારાજગીનું મોટું કારણ ઉજાગર કર્યું હતું. ઉદ્ધવ ઠાકરેને સંબોધીને લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું હતું કે, અમુકને બાદ કરતાં અન્ય તમામ ધારાસભ્યોનું અપમાન કરવામાં આવતું હતું. પક્ષના નેતાઓ શિવસૈનિકો માટે જ ઉપલબ્ધ નહોતા. એવા વખતે શિંદેએ તેમનો હાથ ઝાલ્યો હતો. સતત અવગણના અને ભેદભાવનાં કારણે શિંદેએ ભલાઈમાં જ નિર્ણય લીધો છે. શિંદેએ એક રાષ્ટ્રીય પક્ષ સંપર્કમાં હોવાનું પણ જણાવ્યું હતું.શિવસેના તરફથી શિંદે સામે ગઠબંધન સરકાર છોડવા સહિતની તૈયારી દેખાડવામાં આવ્યા બાદ ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ તરફથી પણ શિંદેને લોભામણી ઓફર આપવામાં આવી હોવાનું કહેવાય છે.મહારાષ્ટ્રનાં રાજકારણમાં સર્જાયેલા આ ભૂકંપ મધ્યે વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર નરહરી જરીવાલે પણ એક મોટું નિવેદન આપ્યું હતું. તેમને જે પત્ર મળ્યો છે તેમાં 34 ધારાસભ્યનાં નામ છે. શિંદેના સમર્થકનો આંકડો હજી ચોક્કસ નથી. તેઓ જે દાવો કરી રહ્યા છે તેને ચકાસવો પડશે. જો શિંદેના વિધાયકોનો સમર્થનનો પત્ર મળશે તો કાયદા અનુસાર તેની તપાસ કરવામાં આવશે. સંખ્યાબળનું પરીક્ષણ રૂબરૂ કરવામાં આવશે. જો કે હજી સુધી આવો કોઈ પત્ર મળ્યો નથી અને જ્યારે મળશે ત્યારે એકાદ બે દિવસમાં જ વિચારણા થશે.શિંદે આ બગાવતમાં ઉદ્ધવને વધુ એક આંચકો આપવાની તૈયારીમાં છે. તેમણે હવે 400 જેટલા પૂર્વ નગરસેવકો અને પૂર્વ સાંસદોની પણ એક યાદી બનાવી છે. જે તેમનાં સમર્થનમાં આવી શકે છે. આ લોકોને પણ તેઓ પોતાની સાથે લઈને શિવસેનામાંથી ઉદ્ધવનું વર્ચસ્વ જ ખતમ કરવા ઉપર ઊતરી ગયા હોવાનું દેખાડી રહ્યા છે. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer