60 હજાર કરોડનાં દાનનો સંકલ્પ
અમદાવાદ, તા. 23 : દેશના ટોચના ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના પિતા શાંતિલાલ અદાણીની જન્મ શતાબ્દીનું વર્ષ અને ગૌતમ અદાણીના 60મા જન્મ દિવસની ઉજવણીની બેવડી ખુશીમાં શતાયુ ભવ:ની શુભેચ્છાઓની અવિરત ભરમાર વચ્ચે અદાણી પરિવારે દેશની તાતી જરૂરિયાત એવા સામાજિક ક્ષેત્રો માટે રૂા. 60 હજાર કરોડની સખાવતનો સંકલ્પ કર્યો છે. આ રકમનો ઉપયોગ અને સંચાલન અદાણી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવશે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે `મારી પ્રેરણાનાં સ્રોત પિતાજીની 100મી જન્મ જયંતી હોવા ઉપરાંત આ વર્ષ મારા 60મા જન્મદિવસનું પણ વર્ષ હોવાથી પરિવારે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સંભાળ, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ સંબંધી સખાવતી પ્રવૃત્તિઓ માટે રૂા. 60 હજાર કરોડનું યોગદાન આપવાનું નક્કી કર્યું છે. આ ત્રણેય ક્ષેત્રોને મૂળભૂત સ્તરે સર્વગ્રાહી રીતે જોવા જોઈએ અને સમાન અને ભાવિ-સજ્જ ભારતનું નિર્માણ કરવા માટે જરૂરી છે. મહાકાય યોજનાઓ તેના પ્લાનિંગ અને કાર્યરત કરવાના અમારા અનુભવ અને અદાણી ફાઉન્ડેશને સમાજ કલ્યાણના આ કાર્યક્રમોને વેગ આપવામાં મદદ મળશે.'આ પ્રસંગે અઝીમ પ્રેમજી ફાઉન્ડેશનના ચેરમેન અને વિપ્રો લિમિટેડના સ્થાપક અધ્યક્ષ તેમજ પરોપકારી અઝીમ પ્રેમજીએ જણાવ્યું હતું કે, `ગૌતમ અદાણી અને તેમના પરિવારની પરોપકારી પ્રતિબદ્ધતાએ એક ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું છે કે આપણે બધા મહાત્મા ગાંધીના ટ્રસ્ટીશિપનાસિદ્ધાંતને વ્યવસાયિક સફળતાની ટોચ પર રહીને જીવવાનો પ્રયાસ કરી શકીએ છીએ અને તે માટે આપણે આપણા સૂર્યાસ્તનાં વર્ષોની રાહ જોવાની જરૂર નથી.' તેમણે વધુમાં ઉમેર્યું કે `આપણા દેશના પડકારો અને શક્યતાઓની માંગ છે કે, આપણે સંપત્તિ, પ્રદેશ, ધર્મ, જાતિ અને વિશેષ એવા તમામ વિભાજનને અવગણીને આપણે ભેગા મળીને એક બની કામ કરીએ. હું આ મહત્ત્વપૂર્ણ રાષ્ટ્રીય પ્રયાસમાં ગૌતમ અદાણી અને તેમના ફાઉન્ડેશનને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.'