કેન્યામાં વધુ એક કચ્છી યુવતીનું શંકાસ્પદ મોત
કેરા (તા. ભુજ), તા. 23 : મૂળ બદદિયાની 26 વર્ષીય યુવતી લંગાટા કચ્છ પ્રાંત કેન્યામાં એક ફ્લેટમાંથી લડકતી મળી આવી, એ ઘટનામાં અઢી માસ વિત્યા છતાં સત્ય બહાર આવ્યું નથી. ત્યાં બીજીએક ઘટના કેન્યાના થીકા વિસ્તારમાં બની છે. 35 વર્ષીય યુવતીનું અપમૃત્યુ થયાની ચર્ચા છે. ઉપરાઉપરી દીકરીઓના શંકાસ્પદ મોતથી સુસંસ્કૃત સમાજ બળભળી ઊઠયો છે અને અરેરાટી વ્યાપી ગઈ છે. કચ્છથી કેન્યા વાયા યુ.કે. સુધી સવાલો પૂછાઈ રહ્યા છે. ઘટનામાં ચર્ચાતી વિગતો મુજબ મૂળ નારાણપર પસાયતીના પરિવારની દીકરી કિશોર વયે પિતા-પરિવાર સાથે કેન્યા નાઈરોબી સ્થાઈ થઈ બાજુમાં થીકા ટાઉનમાં સુખપર (ભુજ)ના પરિવારમાં લગ્ન કર્યાં હતાં. બે પુત્રની માતા એવી આ યુવતી 20/6ના હોસ્પિટલમાં દમ તોડયાની વાત બહાર આવી છે. આ સંદર્ભે નારાણપર સ્થિત મૃતકના કાકાનો કચ્છમિત્રે સંપર્ક કર્યો હતો અને અત્યંત આઘાત સાથે તેમણે વિતી વર્ણવી હતી. અલબત્ત એમણે કહ્યું, નાઈરોબીથી થીકા દોડી ગયેલા અમારા પરિવારના યુવાનોએ બીજીવાર પોસ્ટમોર્ટમનો આગ્રહ રાખ્યો હતો અને તે કરવામાં આવ્યું છે તે પછી 23/6ના થીકા ખાતે તેનો અંતિમ સંસ્કાર કરી દેવાયો હોવાનું જાણવા મળ્યું છે. ચર્ચાતી વિગતો મુજબ આ યુવતીનું મોત કુદરતી નથી અને કોઈ કારણે પગલું ભર્યાની વાતો ચર્ચાય છે. અલબત્ત હજી કોઈ હત્યા કે આત્મહત્યાનો કેસ સ્થાનિક પોલીસ ચોપડે નોંધાયો નથી. દરમ્યાન કચ્છ સ્થિત પરિજનો સ્થિતિ સ્પષ્ટ થવા સુધી કઈ રીતે મોત થયું તેનો ફોડ પાડયો ન હતો, પરંતુ યુવતીના સાસુ, સસરા કે પતિએ કચ્છ સ્થિત દીકરીના મા-બાપને ફોન દ્વારા કોઈ વાત ન કર્યાનો વસવસો મૃતકના માવતર પક્ષે તેના કાકાએ વ્યક્ત કર્યો હતો. સેવાભાવી સુસંસ્કૃત પટેલ સમાજમાં શાત્ર સિદ્ધાંતે આત્મહત્યાનું પ્રમાણ શૂન્ય હતું. તેમાં પણ સમાજની દીકરીઓ એટલી સુખી, સ્વાવલંબી અને ઘરમાં ખભેખભા મિલાવી પરિવારના સુખ-દુ:ખમાં સાથ આપવાની પરંપરા નિભાવી રહી છે, તેવામાં ઉપરાઉપરી દીકરીઓના અપમૃત્યુના કિસ્સા બહાર આવતા સમાજ ખિન્ન છે અને બહોળા વર્ગમાં રોષની લાગણી છે. બળદિયાની યુવતીના મોતનો જેના પર આરોપ છે તેવો તેનો પતિ જામીનમુક્ત છે. તેના પણ નાના સંતાનો છે અને આ કિસ્સામાં પણ બે નાનાં બાળકોને કાયમ માટે એક મા અલવિદા કરી ગઈ છે. કારણ જે પણ હોય મહિલાઓનાં મોતની આવી શંકાસ્પદ ઘટનાઓ અટકવી જ જોઈએ અને સમાજને આત્મહત્યાઓના કલંકથી મુક્ત રાખવા સામૂહિક જાગૃતિ સ્થાપિત કરવાની માંગ ઊઠી છે. કચ્છમિત્રને કેન્યા, યુગાન્ડા, તાન્ઝાનિયા સહિત કચ્છમાંથી ઘટના સંદર્ભે વ્યાપક પૂછપરછ કરવામાં આવી રહી હતી તેથી અખબારે મૃત્યુનાં કારણ સબબ પરિજનો સાથે વાત કરી હતી. અલબત્ત મોતનું કારણ યુવતીના સંબંધિઓ પોસ્ટમોર્ટમના બીજા રિપોર્ટ પરથી જાણી ચૂક્યા છે એટલે જ અગ્નિસંસ્કાર સંપન્ન થયો છે. રિપોર્ટની વિગતો જાણી શકાઈ નથી.