માંડવીનાં ટોપણસર તળાવને લુપ્ત કરી દેવાની સાજિશ

માંડવી, તા. 23 : ગુજરાતની ભાજપ સરકાર સત્તા સ્થાને છે ત્યારથી જળ-જંગલ-જમીન તથા પ્રકૃતિનું સંરક્ષણ કરવામાં તમામ મોરચે નિષ્ફળ નીવડી છે. ભાજપના સત્તાધીશોની અણઆવડતના પરિણામે માંડવી શહેરનું શોભા સમાન ટોપણસર તળાવમાં હાલ જે પ્રવૃત્તિ ચાલી રહી છે તેનાથી આ ઐતિહાસિક તળાવ પોતાની ઓળખ ગુમાવી મૂકશે તેવું જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુર્વેન્દ્રસિંહ જાડેજાએ જણાવીને તળાવમાં ચાલી રહેલી નિયમ વિરુદ્ધ પ્રવૃત્તિ બંધ કરવા અનુરોધ કર્યો હતો. ટોપણસર તળાવના સૌંદર્યીકરણના નામે તળાવ લુપ્ત થાય તે રીતની પ્રવૃત્તિ થઇ રહી છે જેમાં તળાવના અંદરના પરિસરમાં બહારથી ડમ્પરો મારફતે માટીનો જથ્થો ઠલાવવામાં આવે છે જેનાથી માટી નાખવાથી આ તળાવની સંગ્રહ ક્ષમતા ઘટી જશે. ઉપરાંત કોર્ટના આદેશ મુજબ પરંપરાગત જશસ્રોત-જળમંદિરને છેડછાડ નહીં કરવાનો હુકમ છતાં નગરપાલિકા માંડવી દ્વારા ચોરીછૂપીથી પ્રવૃત્તિ થઇ રહી છે જે બાબત ખૂબ જ ગંભીર છે એમ તેમણે જણાવ્યું હતું. આ બાબતે માંડવી તાલુકા તથા શહેર દ્વારા તથા સમગ્ર માંડવી નગરજનોને સાથે રાખી લડત ચલાવવામાં આવી રહી છે જેમાં કોંગ્રેસ પક્ષનો સંપૂર્ણ ટેકો છે. ઉપરાંત બહારથી રેતી લાવી અને તળાવમાં પૂરાણ થઇ રહ્યું છે જે બાબતે ખનિજ વિભાગે પણ આગળ આવવું જોઇએ અને ખનિજ ચોરી કરનારા સામે પણ કડક કામગીરી કરવી જોઇએ તેવી માગણી કરી હતી તેવું પ્રવક્તા દીપક ડાંગરની યાદીમાં જણાવાયું હતું. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer