ભુજના પુરાતત્ત્વીય વિરાસત જેવા પાર્વતીરાઇ તળાવમાં ભેંસોવાળાને બેસાડી દબાણ શરૂ

ભુજ, તા. 23 : શહેરમાં ભાડાની હદમાં આવેલા પાર્વતીરાઇ તળાવમાં ફેન્સિંગ નહીં થવાનાં કારણે ભેંસોવાળાને બેસાડી દબાણ કરવાનું શરૂ કરી દેવાયું છે. તે દબાણ દૂર કરી ફેન્સિંગથી રક્ષિત કરી,તળાવનું ખોદાણ કરી પુન:જીવિત કરવાની માગણી કચ્છના કારાયલ જો કેકારવ સંસ્થાએ કરી છે.ભર ઉનાળામાં હમીરસર તળાવને પાણીથી ભરપૂર રાખવાની રાજાશાહીના વખતની જળ વ્યવસ્થાનો ભાગ કહી શકાય તેવું 150 વર્ષ જૂનું તળાવ પાર્વતીરાઇ રાવલવાડી રિલોકેશન સાઇટના રિંગ રોડને અડીને ત્રિમંદિરની બરાબર સામે છ એકરના વિસ્તારમાં આવેલું છે.ભૂકંપનાં કારણે રિંગ રોડના સર્જન વખતે કપાત થયેલું આ તળાવ શહેરની બરાબર વચ્ચે આવેલું હોવાથી  જમીનભૂખ્યાની નજર હતી એટલે બીજા સર્વે નંબરનાં નામે આ તળાવને રાતોરાત પૂરી નાખવામાં આવ્યું હતું. કચ્છ જે કારાયલ જો કેકારવ સંસ્થાએ આ તળાવને પુન:જીવિત કરવા માટે વર્ષ 2006થી સતત અવિરત પ્રયત્ન કરી સરકારી દફતરે નોંધ કરાવી તેના રાજાશાહીના પથ્થરોથી બંધાયેલા ઓગનને તોડી પડાયેલી દીવાલને રિપેરિંગ કરાવવા જહેમત કરતાં હરસુખભાઇએ દીવાલ દુરસ્ત કરાવી આપી હતી.કચ્છ જે કારાયલના કન્વીનર નવીન બાપટે વધુમાં જણાવ્યું હતું કે, સતત પ્રયત્નોના કારણે આ તળાવને યથાવત સ્થિતિ જાળવવા તત્કાલીન કલેક્ટર રેમ્યા મોહને હુકમ કર્યો હતો. છેવટે હાલના કલેક્ટર પ્રવીણા ડી.કે. અને ડે. કલેક્ટર ચપલોત ઉપરાંત નગરપાલિકાના અધ્યક્ષે સહકાર આપી આ તળાવ ભાડામાં લઇ તેને ખોદાવી અને બ્યૂટિફિકેશનનો ભાગ બનાવી પુન:જીવિત કરવાની બાપટની રજૂઆતને માન્ય રાખતાં પાર્વતીરાઇ તળાવ બચી જવા આશા જાગી છે. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer