ઈંગ્લેન્ડમાં વિજયી કૂચ માટે આતુર નવી ટીમ ઈન્ડિયા

બર્મિંઘમ, તા. 22 : ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડમાં છે અહીં પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની મોકૂફ રખાયેલી નિર્ણાયક ટેસ્ટ મેચ રમાવાની છે. સુકાની રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડની આગેવાનીમાં જો નવી ટીમ ઇન્ડિયા આ ટેસ્ટ જીતશે તો 1પ વર્ષ બાદ ઇંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝ જીતવાની સિદ્ધિ મેળવશે. ગત વર્ષ શ્રેણી રમાઈ ત્યારે ભારત અને ઇંગ્લેન્ડની ટીમ જુદી હતી. બન્ને ટીમમાં હવે ધરખમ બદલાવ આવી ચૂક્યો છે, ખેલાડીઓ-સુકાની-કોચ બદલાઈ ચૂક્યા છે. ભારતીય ટીમ વર્ષ ર007 બાદ ઇંગ્લેન્ડમાં કોઈ ટેસ્ટ શ્રેણી જીતી શકી નથી. છેલ્લે ઇંગ્લેન્ડને તેની જ ધરતી પર ત્રણ ટેસ્ટની શ્રેણીમાં 1-0થી હરાવ્યું હતું. ભારતે ઇંગ્લેન્ડમાં કુલ 18 ટેસ્ટ શ્રેણી રમી છે જેમાં માત્ર ત્રણ જીતી છે અને 14માં પરાજય થયો છે. પાંચ ટેસ્ટની શ્રેણીની નિર્ણાયક ટેસ્ટ 1 જુલાઈથી બર્મિંઘમમાં રમાવાની છે. ગત વર્ષે રમાયેલી આ શ્રેણીમાં ભારતે ર-1થી સરસાઈ મેળવી છે. કોરોનાને પગલે પાંચમી ટેસ્ટ મોકૂફ રખાઈ હતી, જે હવે રમાવાની છે. ભારતીય ટીમ જો આ ટેસ્ટ જીતે અથવા ડ્રો કરાવે તો પણ 1પ વર્ષ બાદ ઇંગ્લેન્ડમાં ભારતીય ટીમ ઈતિહાસ રચશે. ઇંગ્લેન્ડ જીતશે તો શ્રેણી ર-રથી ડ્રો જશે. યોગાનુયોગ છે કે ર007માં જ્યારે ભારતે ઇંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણી જીતી હતી ત્યારે ભારતીય ટેસ્ટ ટીમનો સુકાની દ્રવિડ હતો અને આ વખતે તે ટીમનો કોચ છે. અગાઉ રમાયેલી ચાર ટેસ્ટ વખતે કોહલી કેપ્ટન અને રવિ શાત્રી કોચ હતા. ઈંગ્લેન્ડની ટીમમાં જો રૂટનાં સ્થાને બેન સ્ટોક્સ સુકાની છે તથા નવા કોચ તરીકે બ્રૈડન મેકલમ છે. બન્ને ટીમમાં નવા યુવાઓ ખેલાડીઓને તક અપાઈ છે. 

© 2022 Saurashtra Trust