શિપિંગ ક્ષેત્રે ખાનગી ભાગીદારીના 25 વર્ષની મહાબંદરો ખાતે થશે ઉજવણી

ગાંધીધામ, તા. 22 : બંદરો, જહાજ અને જળમાર્ગ મંત્રાલયે શિપિંગ ક્ષેત્રમાં પ્રથમ ખાનગી ભાગીદારી યોજનાને 25 વર્ષ થતાં હોવાથી તેની તમામ મહાબંરોએ ઉજવણી કરવાના આદેશ જારી કર્યા છે. એ મુજબ જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં બબ્બે દિવસના મેરિટાઈમ પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ કોન્કલેવ-2022 યોજાશે. અત્યંત વિશ્વાસપાત્ર સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે શિપિંગ ક્ષેત્રમાં આધુનિકીકરણ અને વિકાસાર્થે ભારત સરકારે ખાનગી ભાગીદારીને મંજૂરી આપ્યા બાદ જવાહરલાલ નેહરુ પોર્ટ ઓથોરિટીએ વર્ષ 1997માં પ્રથમ પીપીપી યોજના તળે ન્હાવાશેવા ઈન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલ સ્થાપ્યું હતું, જેની સફળતા પછી 90 ટકા મહાબંદરમાં ખાનગી યોજના હાથ ધરાઈ હતી.મહાબંદરોની જેટી, કન્ટેનર ટર્મિનલ, માળખાંકીય કામોમાં પીપીપી તળે યોજનાઓ લવાઈ. પીપીપી મોડેલનો સૌપ્રથમ કરાર જેએનપીએ દ્વારા કરાયો તે વાતને આગામી જુલાઈ મહિને 25 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ તબક્કે દરેક મહાબંદર પોતાના ક્ષેત્રમાં મેરિટાઈમ પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ કોન્કલેવ-2022નું બે દિવસ માટે આયોજન કરે તેવું મંત્રાલયે એક પત્ર દ્વારા જણાવ્યું છે. રાજ્યના નાના બંદરો, મેરિટાઈમ બોર્ડ, ખાનગી ભાગીદારો વગેરેને આ કોન્કલેવમાં બોલાવવા આ પત્રમાં અનુરોધ કરાયો છે. દીનદયાળ પોર્ટ ઓથોરિટીને આ કોન્કલેવ જુલાઈના ત્રીજા સપ્તાહમાં યોજવા જણાવાયું છે. અલબત્ત આ અંગે ડીપીએ દ્વારા હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી. 

© 2022 Saurashtra Trust