બેંગ્લોર અને લખનઉ વચ્ચે આજે આર યા પારનો જંગ

કોલકાતા, તા. 24 : વિરાટ કોહલીની ફોર્મમાં વાપસી અને નસીબના સહારે પ્લેઓફમાં નાટકીય ઢબે પ્રવેશ બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો વિશ્વાસ બુલંદી પર છે. હવે બુધવારે આરસીબીની એલિમિનેટર મેચમાં મજબૂત ટીમ લખનઉ સુપર જાયન્ટસ વિરુદ્ધ ટક્કર થશે અને જોરદાર પડકાર આપશે. કોહલીએ ગુજરાત ટાઇટન્સ સામેની આખરી લીગ મેચમાં દબાણ વચ્ચે પ4 દડામાં 73 રનની ઇનિંગ્સ રમી હતી. આ સિઝનમાં તેની આ બીજી અર્ધસદી હતી. કોહલીની ઇનિંગ્સથી આરસીબીને જીત મળી હતી, પણ તેમને દિલ્હીને મુંબઇ વિરુદ્ધ હાર મળે તેની દુઆ કરવાની હતી. મુંબઇએ દિલ્હીને હાર આપીને બેંગ્લોરનો પ્લેઓફનો રસ્તો સાફ કર્યો હતો. બીજીતરફ કેએલ રાહુલના સુકાનીપદ હેઠળની ટીમ લખનઉ સુપર જાયન્ટસ લીગ સ્ટેજમાં શાનદાર દેખાવ કરીને પ્લેઓફમાં પહોંચી છે. આ મેચમાં જીત મેળવનાર ટીમ મંગળવારના કવોલીફાયર-વન મેચમાં ગુજરાત-રાજસ્થાનમાંથી જે હારશે તેની સામે બીજા કવોલીફાયર-ટુ મેચમાં ટકરાશે. આથી બેંગ્લોર અને લખનઉએ ફાઇનલમાં પહોંચવા બે મેચ જીતવી પડશે. હવે કોહલીનું ફોર્મ, દિનેશ કાર્તિકની ફિનિશરના રૂપમાં સફળતા, હેઝલવૂડ, સિરાઝ અને હર્ષલની બોલિંગ ત્રિપુટી સીમ બોલરોની મદદગાર ઇડન ગાર્ડનની પિચ પર આરસીબીનો તાકાત વધારશે. આરસીબી તરફથી હેઝલવૂડ, હસારંગા અને હર્ષલ પટેલ કુલ પ7 વિકેટ લઇ ચૂકયા છે. નોકઆઉટ રાઉન્ડમાં નવી પિચ પર તેઓ લખનઉના બેટધરો પર ભારે પડી શકે છે. આરસીબી માટે ફરી એકવાર હુકમનો એક્કો દિનેશ કાર્તિક બની શકે છે. તે 191ની સ્ટ્રા ઇક રેટથી 287 રન કરી ચૂકયો છે. આરસીબીના બેટધરોનો સામનો લખનઉના યુવા ઝડપી બોલર આવેશ ખાન અને મોહસિન ખાન સામે થશે. લખનઉ પાસે ચમિરા અને હોલ્ડર જેવા અનુભવી બોલર પણ છે. આરસીબી સામે લખનઉના કપ્તાન કેએલ રાહુલ અને કિવન્ટન ડિ કોકની ઓપનિંગ જોડી પર અંકુશ મૂકવો પડકારજનક બની રહેશે. બન્ને મળીને 1039 રન કરી ચૂકયા છે. જેમાં 210 રનની આઇપીએલ ઇતિહાસની સૌથી મોટી ઓપનિંગ ભાગીદારી સામેલ છે. જે કેકેઆર સામે કરી હતી. આ ટીમની નબળાઇ નીચેના ક્રમની બેટિંગ છે. દીપક હુડ્ડાને છોડીને કોઇ રન કરી રહ્યું નથી. સ્ટોઇનિસ, યુવા આયુષ બડોની, કુણાલ પંડયા અને હોલ્ડર બેટિંગમાં નિષ્ફળ રહ્યા છે. 

© 2022 Saurashtra Trust