કચ્છમાં અપમૃત્યુમાં પાંચના જીવનદીપ બુઝાયા

ભુજ, તા. 24 : કચ્છમાં અપમૃત્યુના વધુ પાંચ બનાવો નોંધાયા છે. આજે સવારે ભુજ તાલુકાના સેડાતા ગામે ટ્રકમાંથી રેતી ભરતી વેળાએ રેતી તળે દબાઇ જવાથી યુવાનનું મોત થયું છે, તો ગાંધીધામ તથા મોટી ભુજપુરમાં મહિલાઓએ ગળેફાંસા ખાઈ જીવનલીલા સંકેલી છે, જ્યારે દેશલપર (વાંઢાય)માં વૃદ્ધે કોઇ કારણોસર દવા પી લીધા બાદ સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે, જ્યારે ભુજની હોટેલમાં રોકાયેલા વાપીના વૃદ્ધ બેભાન થઇ જતાં તેનું મૃત્યુ થયું છે. ભુજ તાલુકાના સેડાતા ગામે ડાડાની દરગાહ પાછળ તળાવમાંથી આજે સવારે સાત વાગ્યાના અરસામાં રેતી ટ્રકમાં ભરવાની કામગીરી દરમ્યાન આ રેતી ગામના 21 વર્ષના યુવાન ગફુર સુલેમાન સુમરા ઉપર આવતાં તે રેતી તળે દબાઇ ગયો હતો. ત્યારબાદ આ યુવાનને ગંભીર સ્થિતિ વચ્ચે ભુજની લેવા પટેલ હોસ્પિટલમાં ખસેડાયો હતો અને ત્યારબાદ વધુ સારવાર અર્થે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, પરંતુ આ પહેલાં ગફુરે શ્વાસ છોડી દીધા હોવાથી ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. માનકૂવા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ આદરી છે. દરમ્યાન, મુંદરા પોલીસ મથકેથી મળેલી વિગતો મુજબ મુંદરા તાલુકાના ભુજપુરમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના પ્રમોદ લાલજી ચૌહાણે પોલીસમાં લખાવ્યું હતું કે, મૂળ ઉત્તર પ્રદેશની હાલે મોટી ભુજપુર હોટેલની બાજુમાં રહેતી 31 વર્ષીય મહિલા પૂજા ઉર્ફે મીરાએ ગઇકાલે રાત્રે પોતાના ઘરમાં કોઇ અગમ્ય કારણોસર પંખાની બાજુમાં લોખંડના પાઇપમાં દુપટ્ટો બાંધી ફાંસો ખાઇને મોતને વહાલું કરી લીધું હતું. મૃતકને મુંદરાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ આ પૂર્વે તેણે દમ તોડી દીધો હોવાથી ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. ત્રણ સંતાનની આ માતાનો 11 વર્ષનો લગ્નનો સમયગાળો હોવાની વિગતો મળી છે. બીજીબાજુ ગાંધીધામના ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં બ્લોક નંબર 81માં રહેનારા પ્રિયંકાકુમારી લવકુમાર ચંદ્રવંશી (ઉ.વ. 25)એ ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. ગુ.હા. બોર્ડ વિસ્તારમાં મકાન નંબર 885માં રહેતા આ મહિલાએ ગત મોડી રાત્રે અંતિમ પગલું ભરી લીધું હતું. પોલીસે જણાવ્યું હતું કે, આ મહિલાએ પોતાનાં ઘરના બાથરૂમમાં જઇ શાવર (ફૂવારા)માં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ લીધો હતો. 8 વર્ષના લગ્નગાળામાં બે દીકરી અને એક દીકરાના માતા એવા આ મહિલાએ કેવા કારણોસર આ પગલું ભર્યું હશે તેની આગળની તપાસ અંજાર ડીવાય.એસ.પી. એમ. પી. ચૌધરીએ હાથ ધરી છે. મૂળ ભુજ તાલુકાના દેશલપર (વાંઢાય)ના હાલે નાસિક (મહારાષ્ટ્ર) રહેતા અને હાલે દેશલપર આવેલા 75 વર્ષીય વાલજીભાઇ મનજી માવાણી જેઓ કોઇ અગમ્ય કારણોસર ગત તા. 21/5ના પોતાનાં ઘરે દવા પી ગયા હતા. જેઓને સારવાર અર્થે ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ તેમની તબિયત વધુ લથડતાં તેઓને જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ગઇકાલે તેમનો જીવનદીપ બુઝાયો હોવાની એમ.એલ.સી. જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીએ નોંધી માનકૂવા પોલીસને જાણ કરી હતી. ભુજના ન્યૂ સ્ટેશન રોડ સ્થિત રિતિશ હોટેલમાં સંજાણ (વાપી, વલસાડ)ના વૃદ્ધ દંપતી રોકાયા હતા. જેમાંના 72 વર્ષીય અજીતઅલી અલીભાઇ મુખૈયાને આજે વહેલી સવારે ગેસની તકલીફ થતાં બાથરૂમમાં ગયા હતા અને બહાર આવ્યા બાદ બેભાન થઇ જતાં તેમના પત્ની ઝરીનાએ તેમને બેભાન અવસ્થામાં ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. એ-ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. 

© 2022 Saurashtra Trust