નવી શિક્ષણનીતિમાં ખેલકૂદને મહત્ત્વ,પણ વ્યાયામ શિક્ષક - મેદાનો ક્યાં ?
હેમંત ચાવડા દ્વારા - ભુજ, તા. 24 : બાળકોમાં કબડ્ડી, કુસ્તી જેવી શેરીરમતો પણ ભૂતકાળ બની ગઈ છે. અધુરામાં પૂરું સરકારના શિક્ષણ વિભાગે વ્યાયામ શિક્ષકોની ભરતી જ કરવાનું બંધ કરી દીધું છે.વર્તમાન શિક્ષણમાં વ્યાયામ અને યોગનો એકડો જ નીકળી ગયો હોય તેમ વ્યાયામ શિક્ષકોની ભરતી જ બંધ કરી દેવામાં આવી છે, તો બાળકોનો સર્વાંગી વિકાસ ક્યાંથી થાય ?વર્તમાન સમયમાં ગુજરાતનાં શિક્ષણતંત્રના પાઠયક્રમમાં રમત-ગમત, સંગીત અને ચિત્રકામ વૈકલ્પિક વિષય તરીકે દર્શાવાયા હોવાથી આ વિષયોના શિક્ષકોની ભરતી જ બંધ કરી દેવામાં આવી છે.કેન્દ્ર સરકારનાં શિક્ષણ બોર્ડ (સીબીએસસી)માં રમત-ગમત, સંગીત અને ચિત્ર વિષય જો ફરજિયાત હોય, તો ગુજરાતનાં શિક્ષણ બોર્ડમાં કેમ નહીં એવો પ્રશ્ન ઊઠી રહ્યો છે.જિલ્લામાં ધોરણ 1થી 8ની સરકારી પ્રાથમિક શાળાની વાત કરીએ. અંદાજે 2.30 લાખ વિદ્યાર્થી વચ્ચે 8200 શિક્ષકનાં કુલ મહેકમમાં વ્યાયામના 433, ચિત્રકામના 205 અને સંગીતના માત્ર 100 શિક્ષક છે, જે પૈકી કેટલાય નિવૃત્તિના આરે હશે.અગાઉ સીપીએડ, બીપીએડની ભરતી થવાથી વ્યાયામ, સંગીત કે ચિત્રકામ જેવા શિક્ષકો મળી રહેત હતા, પરંતુ હાલ તો આ કોલેજોને તાળાં લાગી ગયાં છે.એક તરફ વડાપ્રધાન નવી શિક્ષણનીતિમાં ખેલકૂદને મહત્ત્વ આપી રહ્યા છે, તો બીજી તરફ રાજ્યનાં શિક્ષણ બોર્ડે છેલ્લાં દસ-બાર વર્ષથી શારીરિક, સંગીત અને ચિત્રકામના શિક્ષકોની ભરતી બંધ કરી દીધી છે, જેનાં કારણે શાળાઓનાં મેદાનો સૂનાં પડયાં છે. કચ્છની 1682 સરકારી શાળા પૈકી 262 મેદાન વિહોણીછે તેમજ 410 ખાનગીમાંથી 32 શાળામાં મેદાન નથી. જો કે, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા આવી શાળાઓ માટે તમામ આચાર્ય, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને સૂચના આપી ગામમાં જમીન ઉપલબ્ધ હોય તો તેને સંપાદન કરવાની પ્રક્રિયા હાથ ધરવા જણાવ્યું છે.તો કચ્છની કુલ 188 સરકારી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળામાં મેદાનો છે, જ્યારે ગ્રાન્ટેડમાં 40નાં મહેકમ સામે શારીરિક શિક્ષકની 36 જગ્યા ભરેલી છે. માધ્યમિક શાળાઓમાં ચારથી વધુ વર્ગ હોય તો જ આવા શિક્ષકો મળી શકે તેવો નિયમ છે. આવા જડ નિયમોનાં કારણે શારીરિક, સંગીત કે ચિત્રકામ જેવા વિષયોમાં રુચિ ધરાવતાં બાળકોને પૂરતી તાલીમ ન મળવાનાં કારણે રાષ્ટ્રીય લેવલે પહોંચી શકતા નથી.