દીનદયાળ બંદરનાં આંતરિક માળખાંકીય કામો માટે 4628 લાખના અંદાજ તૈયાર

ગાંધીધામ, તા. 24 : દીનદયાળ મહાબંદર પ્રાધિકરણની બીજી બોર્ડ બેઠક 27મીએ મળી રહી છે. જેમાં બંદરની અંદરના પ્લોટ સહિતના માળખાંકીય વિકાસ કાર્યો માટે આવેલા 4628 કરોડના અંદાજોને બહાલી તેમજ લીઝ ઉપર અપાયેલી જમીનોના મોડાં આવતાં લીઝ ભાડાં ઉપર 18ને બદલે હવે 1પ ટકા વ્યાજનો દર લગાડવા જેવા મહત્ત્વના નિર્ણયો લેવાશે. ડીપીએના સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે આ બોર્ડ બેઠક 27મીએ બપોરે 3.30 વાગ્યે મળશે. જેના માટે અત્યારે કુલ 16 એજન્ડા બહાર પડાયા છે. હાલે ચાલતાં કંડલાના રેલવે ટ્રેકના ડબલિંગ અને ઈલેકટ્રીફિકશનના કામ માટે કચ્છ રેલવે કંપની દ્વારા જરૂરી ભંડોળ એકત્ર કરવાને લગતો એજન્ડા પણ સમાવિષ્ટ છે.વર્ષ 2021-22ના વાર્ષિક હિસાબોને બહાલી, લીઝ હોલ્ડ જમીનોને ફ્રી હોલ્ડ કરવી, કંડલાના વીટીએમએસ ટાવર નજીકની ચાર હજાર ચો.મી. જમીન પાંચ વર્ષ માટે બાર્જ મરંમત અર્થે લીઝ ઉપર આપવી, કારગો જેટી નં. 7ના રેટ્રોફિટિંગ કામને બહાલી વગેરે કામો પણ એજન્ડામાં સમાવાયા છે. મહાબંદરની અંદર આવેલા પ્લોટો જમીનથી થોડા નીચા હોવાથી તેમાં વરસાદનું પાણી ભરાઈ જવાની સમસ્યા છે. પાણી ભરાવાથી પ્લોટની મજબુતાઈને જફા પહોંચે છે તો તેના ઉપર મુકાયેલા માલ-સામાનને પણ નુકસાની થાય છે. આથી આ પ્લોટોને મજબુત કરવા તથા તેમાંથી વરસાદી પાણી નિકાલના નાળા વ્યવસ્થિત બનાવવા સહિતની માળખાંકીય સુધારણા અર્થે 4628 લાખનો અંદાજ તૈયાર થયો છે. જેને આ બોર્ડમાં લીલીઝંડી અપાશે. દરમ્યાન લાંબા સમયથી કંડલા લીકવીડ ટેન્ક ટર્મીનલ એસોસીએશન દ્વારા ડીપીએથી લઈને શિપિંગ મંત્રાલય સુધી લીઝની જમીનના ભાડાં મોડા ભરતી વેળા ડીપીએ દ્વારા લેવાતું 18 ટકા વ્યાજ ખુબ ઘણું હોવાથી તેને ઘટાડીને 8 ટકા કરવાની માગણી થતી હતી. ડીપીએ તથા શિપિંગ મંત્રાલયે આ અંગે લાંબી કવાયત કર્યા બાદ અન્ય મહાબંદરોએ પણ 1પ ટકા વ્યાજનો દર હોવાથી દીનદયાળ બંદરે પણ હવે મોડાં ભરાતાં લીઝના ભાડાં ઉપર 1પ ટકા વ્યાજદરનો નિર્ણય લીધો છે. જેને આ બોર્ડ બેઠકમાં પસાર કરાશે. આ નિર્ણયથી બંદર આસપાસની જમીનો લીઝ ઉપર લેનારા વપરાશકારોને રાહત થશે. 

© 2022 Saurashtra Trust