12 કચ્છી શ્રમજીવી પર દીવાલ મોત બનીને ખાબકી

12 કચ્છી શ્રમજીવી પર દીવાલ મોત બનીને ખાબકી
હળવદ, તા. 18 : હળવદમાં આજે હૃદયદ્રાવક દુર્ઘટના બની હતી. બપોરે જીઆઇડીસીમાં આવેલ સાગર ફૂડ કેમ નામનાં મીઠાંનાં કારખાનાની દીવાલ એકાએક ધસી પડતાં કચ્છ -વાગડના સોમાણીવાંઢના એક જ પરિવારના છ સભ્ય અને વાગડના જ કુંભારિયાના એક જ કુટુંબના ત્રણ સભ્ય મળી 12 વ્યકિતના કરુણ મૃત્યુ નીપજતાં હાહાકાર મચી ગયો હતો. પેટિયું રળવા આ પરિવાર ગઇકાલે જ કચ્છથી હળવદ આવ્યો હતો. અન્ય ત્રણ મૃતક પણ ગાગોદર અને પલાંસવાના હોવાનું જાણવા મળે છે. હૃદયદ્રાવક દુર્ઘટનાના ખબર મળતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. વડાપ્રધાન શ્રી મોદીએ પણ ટ્વિટ કરીને દુ:ખ પ્રગટ કર્યું હતું. આ દુર્ઘટનામાં એક દીકરાએ નજર સામે જ મા-બાપ અને બહેનને મોતને ભેટતાં નિહાળ્યા હતા. જીઆઇડીસીમાં આવેલા સાગર ફૂડ કેમ નામનાં મીઠાંનાં કારખાનામાં બપોરેના બાર વાગ્યાના સુમારે પેકિંગનું કામ ચાલતુ હતું. ત્રી, પુરુષ શ્રમિકો કામ કરી રહ્યા હતાં ત્યારે એકાએક કારખાનાંની 20 ફૂટ ઊંચી અને 40 ફૂટ પહોળી  દીવાલ ધસી પડી હતી. દીવાલના મલબા હેઠળ 14થી વધુ શ્રમિકો દટાયા હતા. મરણચીસોથી વાતાવરણ ગાજી ઊઠયું હતું. જ્યારે અન્ય મજૂરોમાં ભાગદોડ મચી ગઇ હતી. આ દુર્ઘટનાની જાણ થતાં જ કારખાનાંના સંચાલક અને લોકોએ તાકીદે જેસીબી અને હિટાચી મશીન મગાવ્યા હતા. દીવાલના કાટમાળ હેઠળ દબાયેલા શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. દીવાલના કાટમાળ હેઠળથી એક પછી એક ત્રી- પુરૂષો અને બાળકો મળી બાર વ્યકિતના મૃતદેહ મળી આવ્યા હતા, જ્યારે બે મજૂરને ગંભીર ઇજા થઇ હતી. એ બન્નેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવની જાણ થતાં મોરબી જિલ્લાના પોલીસવડા,  કલેકટર, મામલતદાર અને પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો પણ પહોંચી ગયો હતો. પોલીસની ટીમ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવા અને તેની  ઓળખ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સાગર સોલ્ટ નામનું  આ કારખાનું 2009ની સાલથી શરૂ થયું હતું. કારખાનાંમાં મીઠાનું પેકિંગ કરીને વેચાણ કરવામાં આવતું હતું. કારખાનાંમાં 50 જેટલા મજૂરો કામ કરતા હતા. બપોરના બારેક વાગ્યાના સુમારે દુર્ઘટના બની ત્યારે રિસેસ અને જમવાનો સમય હોવાથી  અન્ય મજૂરો ત્યાં હાજર હતા નહી. મૃતક શ્રમિકો મૂળ કચ્છના વાગડના વતની હોવાનું અને વર્ષોથી પેટિયું રળવા માટે હળવદ આવ્યાનું ખુલ્યું હતું.આ હૈયું હચમચાવી દેતી ઘટનામાં સોમાણીવાંઢના 42 વર્ષના રમેશભાઇ મેઘાભાઇ કોળી, તેમનો 26 વર્ષનો પુત્ર દિલીપભાઇ, 10 વર્ષનો શ્યામભાઇ, 15 વર્ષની પુત્રી દક્ષા, 24 વર્ષની પુત્રવધૂ શીતલબહેન દિલીપભાઇ, 3 વર્ષનો પૌત્ર દીપક, કુંભારિયાના 42 વર્ષના ડાહ્યાભાઇ નાગજીભાઇ ભરવાડ, તેમની પત્ની રાજીબહેન, પુત્રી દેવી, ઉપરાંત 51 વર્ષના રમેશભાઇ નરશીભાઇ પીરાણા, પુત્રી કાજલબહેન અને રાજેશભાઇ જેરામભાઇ મકવાણાના કરુણ મૃત્યુ નીપજ્યા હતા, જ્યારે આશાબહેન ડાહ્યાભાઇ ભરવાડ અને  સંજયભાઇ રમેશભાઇ કોળીને ઇજા થઇ હતી.બાર વ્યકિતનો જીવ લેનાર હળવદની દુર્ઘટના અંગે તપાસના આદેશ થયા છે. મુખ્યમંત્રીએ આ બનાવની  ત્રણ દિવસમાં તપાસ કરીને અહેવાલ રજૂ કરવા સૂચના આપી છે. - વાવાઝોડાંમાં એ જ દીવાલ તૂટી પડી'તી પણ... : થોડા સમય પહેલાં આવેલાં વાવાઝોડાંમાં આ જ દીવાલ તૂટી પડી હતી. પરંતુ સદ્નસીબે કોઇ જાનહાની થઇ ન હતી. બાદમાં કોઇપણ જાતના આધાર કે બીમનો સહારો લીધા વગર ફરી દીવાલ ચણી લેવામાં આવી હતી. દીવાલની પાછળ મીઠાંની બેગનો ખડકલો કરવામાં આવ્યો હોવાથી તેના વજનનાં કારણે દીવાલ ધરાશાયી થયાની શકયતા જણાવાય છે. - આજે અંતિમયાત્રા નીકળશે, હળવદ બંધ રહેશે : મીઠાંનાં કારખાનાની ઘટનામાં આવતીકાલે મૃતકોની અંતિમયાત્રા જીઆઇડીસી ખાતેથી  નીકળશે. આ સમયે હળવદ શહેર બંધ રાખીને નગરજનો અંતિમયાત્રામાં જોડાશે. - હળવદ દુર્ઘટના સ્થળે ધસી ગયા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ : અમદાવાદ, તા. 18 (અમારા પ્રતિનિધિ તરફથી) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોરબી જિલ્લાના હળવદની જી.આઇ.ડી.સીમાં સર્જાયેલી ગોઝારી દુર્ઘટનાનાં સ્થળની પ્રત્યક્ષ મુલાકાત લઇ  માહિતી મેળવી હતી. ભૂપેન્દ્ર પટેલે દીવાલ ધસી પડવાની આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા શ્રમિકોના પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી હતી અને રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારે મૃતકોના વારસદારોને સહાય આપવાની  જાહેરાત કરી છે. મહત્ત્વનું છે કે, મુખ્યમંત્રીએ આ દુર્ધટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક વારસદારને 4 લાખ રૂપિયાની સહાય મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આપવાની જાહેરાત કરી હતી. એ જ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મોરબીમાં દીવાલ ધરાશાયી થવાને કારણે થયેલી જાનહાની અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો હતો અને જે લોકોએ જીવ ગુમાવ્યા છે તેમના નજીકના સગાઓને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (પીએમએન આરએફ)માંથી રૂ.2 લાખ અને ઘાયલોને રૂા. 50000 આપવાની જાહેરાત કરી હતી.  આ સાથે ઇજાગ્રસ્તોની તમામ સારવારનો ખર્ચ રાજ્યસરકાર ભોગવશે આ સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય મંત્રીઓ અમિત શાહ, મનસુખ માંડવિયા, પરસોત્તમ રૂપાલાએ પણ મોરબી અકસ્માતને ખૂબ દુ:ખદ ગણાવી શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.    

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer