કચ્છ પર ફરી વરસી તાપની આણ

કચ્છ પર ફરી વરસી તાપની આણ
ભુજ, તા. 18 : પવનની ગતિ થોડી મંદ પડવા સાથે મહત્તમ પારો એકથી બે ડિગ્રી જેટલો ઊંચકાતા જિલ્લામાં ફરી એકવાર તાપનો આકરો પ્રભાવ વર્તાયો હતો. હવામાન  વિભાગે આગામી ત્રણેક દિવસ ગરમીનો આ માહોલ જળવાયેલો રહેવાની આગાહી કરી છે. જો કે હીટવેવની કોઈ ચેતવણી જારી ન કરાતાં આંશિક રાહત મળી હતી. વાગડથી લઈ કોટેશ્વર સુધી લૂ ઓકતો ઉની વાયરો  ફુંકાતા જનજીવન તોબા પોકારી ઊઠયું હતું.  કંડલા(એ) કેન્દ્રમાં બે ડિગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન 42.3 ડિગ્રીએ પહોંચતા અંજાર-ગાંધીધામ વિસ્તાર ગરમીમાં શેકાયા હતા. 42.3 ડિગ્રીએ કંડલા(એ) રાજ્યનું ચોથા નંબરનું ગરમ મથક બન્યું હતું. જિલ્લા મથક ભુજમાં મંગળવારે લાંબાગાળા પછી મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી નીચે ઉતર્યા બાદ ફરી એકવાર બે ડિગ્રીના વધારા સાથે તાપમાન ઊંચકાઈને 41.2 ડિગ્રીએ પહોંચતા સવારના સુર્ય નારાયણનાં દર્શન સાથે જ આભમાંથી અગનજવાળા વરસવાનું શરૂ થઈ ગયું હતું. કંડલા પોર્ટમાં 37.6 અને નલિયામાં 37 ડિગ્રી તાપમાને તાપની આણ થોડી નરમ પડેલી જોવા મળી હતી. લઘુતમ પારો 26થી 27 ડિગ્રી જેટલો ઊંચો રહેતા ઉકળાટનો દોર યથાવત રહ્યો હતો. ખાનગી રાહે તાપમાન નોંધાય છે, એવા રાપરમાં 43 તો ખાવડામાં 41 ડિગ્રી તાપમાને  ગરમીનું સામ્રાજ્ય છવાયેલું જોવા મળ્યું હતું. ત્રણ દિવસ સુધી ગરમીનો આ દોર જળવાયેલો રહ્યા બાદ મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી ઘટાડો થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.  

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer