રોહા પંથકના કેરીના બગીચા ઊંચા ભાવે વેચાઈ ગયા

વિથોણ (તા. નખત્રાણા), તા. 18 : આ વર્ષે કચ્છીઓને કેસર કેરીનો સ્વાદ ચાખવા ઊંચા દામ આપવા પડશે. કેસર કેરીના ગઢ ગણાતા રોહા પંથકના બગીચા ઊંચા ભાવે વેચાઈ ગયા છે. નખત્રાણા પંથકમાં આ વર્ષે કેસર કેરી ઉપર ગરમીનો પ્રકોપ અસર કરી ગયો છે. ગત વર્ષ કરતાં ઉત્પાદનમાં ઓટ આવી છે, જેથી આ વર્ષે ભાવનું પ્રમાણ ખૂબ જ ઊંચું છે. અત્યારે કચ્છ બહારની કેરીઓ બજારમાં આવી છે. જેનો ભાવ 150 રૂા. પ્રતિ કિલો બોલાય છે, છતાં સ્વાદના રસિયાઓને કચ્છની કેસર કેરી જ ખાવી ગમે છે. રોહા અને નખત્રાણા પંથકની વાડીઓના કેસર કેરીના બગીચા ટપોટપ વેચાઈ ગયા છે. ખરીદનાર પણ કચ્છ બહારના વેપારીઓ છે. મ.પ્ર., રાજસ્થાન અને દિલ્હીના વેપારીઓ દાડમની સાથે હવે કેસર કેરીના સોદા કરવા લાગ્યા છે. ખીરસરાના ખેડૂત અશોકભાઈ છાભૈયાના જણાવ્યા મુજબ કેસર કેરીની ખરીદી જરૂર ઊંચી થઈ છે પણ ઉત્પાદન ઓછું છે. જેથી ખેડૂતોને લાભ જેવું કાંઈ જ નથી. કેસર કેરીના ઊંચા ભાવ હોવાથી દેશી કેરીની માંગ રહેવાની છે. કેસર કેરીમાં હજુ સાંખ પડી નથી અને સાંખ પડે તે પહેલાં વરસાદ પડશે તો કેસર કેરીનો સ્વાદ કડવો બની જશે. વરસાદ પછી કેરીમાં જીવાત પણ પડી શકે છે, તેવું કેસર કેરીના વિક્રેતા અને સ્વાદના રસિયાઓનું માનવું છે. આ વર્ષે ગરમી અને લૂના કારણે ઘણી કેરીઓ ઝાડ ઉપરથી ખરી પડી છે. જેથી ખેડૂતોને નુકસાન થયું છે અને કેરીના બગીચા ખરીદનાર કેરીની ગુણવત્તા અને ઝાડ ઉપર અંદાજિત કેટલી કેરીઓ છે તેવું પરીક્ષણ કર્યા પછી જ સોદા કરતા હોય છે. નખત્રાણા પંથકમાં જ્યાં પાણી મીઠાં છે તેવી વાડીઓમાં કેસર કેરીના બગીચા છે અને લગભગ બધી જ વાડીઓમાં બારાતુ વેપારીઓ લટાર મારી રહ્યા છે. વડોદરા, અમદાવાદ, રાજકોટ, સુરત, દહેગામ, નડિયાદ, આણંદ જેવા શહેરોમાં કેસર કેરીનું ખૂબ જ વેચાણ થાય છે. અત્યારથી જ બુકિંગ થઈ ચૂક્યું છે અને કચ્છની કેસર કેરી બહાર જાય તો કચ્છીઓ માટે આ વર્ષે કેરીનો સ્વાદ થોડો કડવો લાગશે.