અછતના ઓછાયા વચ્ચે બાવળની ફળી આશીર્વાદરૂપ

અછતના ઓછાયા વચ્ચે બાવળની ફળી આશીર્વાદરૂપ
બાબુ માતંગ દ્વારા - નિરોણા (પાવરપટ્ટી), તા. 18 : કચ્છભરના સીમાડામાં ગાંડો બાવળ ભારે વર્ચસ્વ ધરાવે છે. આ વૃક્ષનું લાકડું, કોલસા, ગુંદર ઉપરાંત તેનો ફાલ ફળી પણ ભારે ઉપયોગી હોઇ આ વૃક્ષ કચ્છ માટે કલ્પવૃક્ષ સમાન ગણી શકાય. ચૈત્ર, વૈશાખની તેજીલી ગરમીની મોસમમાં આ વૃક્ષની ફાલ સમાન ફળી લૂમેઝૂમે લચી પડી છે, ત્યારે સરહદી જિલ્લાના કેટલાક વિસ્તારમાં ફળી મજૂરવર્ગને રોજગારી આપી રહી છે. તો પશુઆહારમાં પણ ભારે ઉપયોગરૂપ છે. અછતના ઓછાયા વચ્ચે બન્ની પંથકના પશુપાલકો પણ ફળીનાં વાહનો ભરી પશુઆહારમાં ઉપયોગ કરી અછતના દિવસો ટૂંકા કરી રહ્યા છે. કચ્છના મોટા રણના કાંઠાળ વિસ્તારમાં પૂર્વ સુમરાસર-શેખથી માંડી પશ્ચિમે ડાડોર-ઝાલુ સુધીનો વિસ્તાર ખેતીવાડી અને ડેમોની સિંચાઇ યોજનાનો પિયતવાળો વિસ્તાર ગણાય છે. આ વિસ્તારમાં ગાંડો બાવળ ભારે ફૂલ્યો ફાલ્યો છે. આ બાવળની ઊંચી અને ગીચ ઝાડી માટે પંથક પ્રખ્યાત છે. તેથી જ આ વિસ્તારમાં કોલસો મોટાપાયે ઉત્પાદન થાય છે. તો ભરઉનાળે ચૈત્ર-વૈશાખના પ્રખર તાપમાં આ વૃક્ષ પર આવતો ફળી સમાન ફાલ રોજગારીરૂપે જ નહીં પૌષ્ટિક પશુઆહાર તરીકે પણ ભારે ઉપયોગરૂપ બની રહ્યો છે. હાલ પાવરપટ્ટી પંથકના સીમાડામાં બાવળનાં વૃક્ષો ફળીના ફાલથી ભારે ફૂલ્યા ફાલ્યા છે ત્યારે વનજન્ય આ પેદાશને એકત્ર કરવા નિરોણા, ડાડોર, સુમરાસર, લોરિયા સહિતનાં ગામોમાં વાડાઓ ખોલી મોટા પ્રમાણમાં જથ્થો એકત્ર થઇ રહ્યો છે.આ પંથકમાં વર્ષોથી બાવળની ફળી એકત્ર કરવાના વ્યવસાય સાથે સંકળાયેલા સુમરાસર-શેખના હાજી કુંભારના કહેવા પ્રમાણે આ વર્ષે ગાંડા બાવળની ફળીનો ફાલ સારો જોવા મળ્યો છે, પરંતુ આ ફાલને એકત્ર કરવાના ધંધા સાથે સંકળાયેલા મજૂરો અખાત્રીજ, ઇદ, રમજાન માસ જેવા તહેવારોમાં રોકાઇ ગયા પછી વાડાઓ ઉપર ધારણા કરતાં 40થી 50 ટકા ફાલ ઓછો જમા થયો છે. તેમના કહેવા મુજબ આ વર્ષે વાડાઓ ઉપર ફળીનો ભાવ એક મણના (40 કિલો)ના 200થી 220 રૂપિયા સુધી ખરીદી કરી જથ્થાબંધ રીતે 270થી 280ના ભાવે નિકાસ કરવામાં આવે છે, જે માલ મોટા ભાગે રાપર, મહુવા અને ભાવનગર બાજુ મોકલવામાં આવે છે. જેમાંથી થ્રેસરથી બિયારણ છૂટું પાડી પાવડર (ભૂસું) બનાવવામાં આવે છે. બાવળની સૂકાયેલી ફળીમાં સર્કરા ઉપરાંત પ્રોટિન અને વિટામિનનું પ્રમાણ વધુ હોવાથી ફળીનું ભૂસું (પાઉડર) દૂધાળાં પશુઓ માટે પૌષ્ટિક આહાર તરીકે ઉપયોગી અને ગુણકારી ગણાય છે.દરમ્યાન ગત ચોમાસામાં અપૂરતા વરસાદને લઇ ખાસ કરીને માલધારી મુલક બન્નીમાં ઘાસચારાની તીવ્ર તંગી સર્જાઇ છે. એકબાજુ ઘાસિયાઇ મેદાનો ખાલીખમ બન્યા છે, તો બીજી બાજુ ખાણદાણના ભારે ભાવ માલધારીઓ માટે ભારે મુશ્કેલી ઊભી કરી છે, તેવા ટાંકણે પાવરપટ્ટી પંથકમાં ફળીનો ફાલ સૂકાઇ બાવળનાં વૃક્ષો નીચે ખરીને સાથરાની જેમ પડી છે ત્યારે બન્ની પંથકના સેરવો, સરાડો, ભગાડિયા, છસલા સહિતનાં ગામોમાંથી માલધારીઓ?- મહિલાઓ સહિત નાના-મોટા વાહનો સાથે પાવરપટ્ટીના સીમાડામાં ઊતરી વહેલી સવારથી ફળી વીણી વાહનો ભરી મોડી સાંજના પરત ફરે છે. આ પંથકમાંથી બન્નીના માલધારીઓ ફળીનો જથ્થો વીણી લઇ ગયા પછી ઊભા થયેલા વાડાઓમાં ફળી એકત્રીકરણમાં મોટી અસર થઇ છે. બન્નીના માલધારીઓ અહીંથી ફળીનો ફાલ લઇ ગયા પછી તે ફળીને મોટા વાસણમાં રાંધી અન્ય સૂકા ચારા સાથે ભેળવી દૂધાળા પશુઓના આહારમાં ઉપયોગ કરી રહ્યા છે. - રાપર ખાતે બનતા ફળીના ભૂંસાની ભારે માંગ : નિરોણા : બાવળની ફળીમાંથી પાઉડર (ભૂસું) બનાવવાનું એકમ રાપર ખાતે કાર્યરત છે. છેલ્લા 31 વર્ષોથી ભૂસું બનાવવાની કામગીરી સાથે સંકળાયેલા વેપારી મનોજભાઇ ઠક્કરના જણાવ્યા મુજબ 20મી એપ્રિલથી 10મી જૂન સુધી ફળીનો ફાલ એકત્ર કરવાની મોસમ ગણાય છે. જે દરમ્યાન અહીં થ્રેસર દ્વારા ફળીની આવક પ્રમાણે ભૂસું બનાવવામાં આવે છે. કચ્છમાં પાવરપટ્ટીનાં ગામો ઉપરાંત રાપરના પગીવાંઢ, સુવઈ, જેસડા, નીલપર સહિતનાં ગામોમાંથી પણ ફળીનો જથ્થો મગાવવામાં આવે છે. દર વર્ષે સરેરાશ 20 જેટલી ગાડીઓ ફળી મગાવી ભૂસું બનાવવામાં આવે છે, પરંતુ ચાલુ સાલે અત્યાર સુધી આઠ જ ગાડીઓ ફળીની પહોંચી છે. અહીં થ્રેસર દ્વારા બનતા ભૂસાંની ઉપલેટા, બગોદરા અને પાટણ તરફ ભારે માંગ છે. આ ભૂસું 1100 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે મોકલવામાં આવે છે. જ્યારે ફળીમાંથી ભૂસું બન્યા બાદ છૂટા પડતા બિયારણનું કચ્છમાં વન વિભાગ ઉપરાંત રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ રાજ્યો સુધી 45થી 50 રૂા. પ્રતિ કિલોના ભાવે વેચાણ કરાય છે. - ફળીમાંથી પશુઆહાર બનાવવાનું સરહદ ડેરી પણ વિચારે છે : નિરોણા : કચ્છમાં ગાંડા બાવળનું સામ્રાજ્ય સર્વત્ર છવાયેલું છે. અહીંના પશુપાલકો માટે બાવળની ફળી ખાસ કરીને નબળાં વર્ષોમાં ભારે ઉપયોગી સાબિત થાય છે. જિલ્લામાં વ્યાપક ફળીનું ઉત્પાદન છતાં તેમાંથી પશુઆહાર બનાવટ અંગે સફળતા સાંપડી નથી. આ અંગે કચ્છ ડેરીના સ્થાપક અને કચ્છ કુરિયનના હુલામણા નામે જાણીતા વલ્લમજીભાઇ હુંબલને પૂછતાં જણાવ્યું હતું કે, કચ્છમાં વ્યાપક બાવળની ફળી પશુઆહારમાં ભારે ઉપયોગી છે ત્યારે એ ફળીને લેબોરેટરીમાં પરીક્ષણ કરાવી તેમાં રહેલાં તત્ત્વોના આધારે આગામી સમયમાં પશુઆહાર બનાવવા જરૂરી પ્રયાસ કરાશે. કારણ કે નબળાં-સબળાં વર્ષોમાં ફળીનો ફોલ મબલક પાકે છે ત્યારે સરહદ ડેરીને આ અખતરામાં સફળતા સાંપડશે તો કચ્છમાં રોજગારીની તકો વધશે, સાથે માલધારીઓના પશુઓને પૌષ્ટિક આહાર પણ ઉપલબ્ધ કરાવી શકાશે. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer